13 October 2025 New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ:
ગાઝામાં જીવિત માનવામાં આવતા 20 ઇઝરાયેલી બંધકોની સોમવારે થનારી મુક્તિ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલ જઈ રહ્યા છે. અમેરિકાની મધ્યસ્થતા બાદ યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કામાં ઇઝરાયેલમાં લગભગ 2,000 પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓ પણ મુક્ત થશે. ટ્રમ્પ ઇઝરાયેલની સંસદને સંબોધશે અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેમજ બંધકોના પરિવારોને મળશે.
ગાઝાના ભવિષ્ય અંગેના શિખર સંમેલન
સોમવાર પછી, 20થી વધુ દેશોના નેતાઓ ટ્રમ્પ સાથે ઇજિપ્તમાં ગાઝાના ભવિષ્ય અંગેના શિખર સંમેલનમાં જોડાશે. યુએનએ જણાવ્યું કે ઇઝરાયેલે 190,000 મેટ્રિક ટનની વધુ મદદ શિપમેન્ટને મંજૂરી આપી છે, જે ગાઝામાં નિર્ણાયક પુરવઠો પહોંચાડવાની “માત્ર શરૂઆત” છે. આ તરફ ગાઝામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ શરૂ થયા પછી મૃત્યુઆંક 300ને વટાવી ગયો છે, કારણ કે તપાસ ટીમો નષ્ટ થયેલી ઇમારતોના કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલુ રાખ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં, ગાઝાની હોસ્પિટલોએ 323 લોકોના મૃત્યુની જાણ કરી, જેમાંથી 295 લોકોના મૃતદેહ કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા.
ગાઝાના ઘરો નષ્ટ
યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ યુદ્ધની શરૂઆતથી ઇઝરાયેલી હુમલાઓએ 4,30,000થી વધુ ઘરોને નષ્ટ કર્યાં છે, જે ગાઝાની રહેણાંક ઇમારતોના 92% થવા જાય છે, નષ્ટ થઈ ગયેલી ઇમારતો ને કારણે 61 મિલિયન ટન કાટમાળ ઉત્પન્ન થયો છે. આ તરફ ગાઝા સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે, ગાઝામાં હજુ પણ લગભગ 10,000 પેલેસ્ટિનિયનો કાટમાળ નીચે દટાયેલા હોવાનું માનવામાં આવે છે. કારણ કે ગાઝા પટ્ટીમાં હજુ પણ એવી અસંખ્ય ઇમારતો છે જેની નીચે કુલ કેટલા વ્યક્તિઓ મૃત અવસ્થામાં દટાયેલા છે તે જાણી શકાયું નથી.