Saudi Arabia Road Accident: સોમવારે સાઉદી અરેબિયામાં એક મોટો અકસ્માત થયો. ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસનો અકસ્માત થયો હતો, જેમાં અંદાજે 42 ભારતીયોના મોત થયા છે. બધા મક્કાથી મદીના જઈ રહ્યા હતા. અહેવાલો અનુસાર, બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માત મુફરરીહાટ નજીક થયો હતો. મૃતકોમાં અંદાજે 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. ઇમરજન્સી ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી છે. બચી ગયેલા ચારેય લોકોને મદીનાની અલ-હમના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને સાઉદી અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે.
ઉમરાહ યાત્રા પૂર્ણ કર્યા પછી ભારતીય મુસાફરો મદીના જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. મક્કાથી મદીના જતી વખતે મુફ્રીહાત નજીક રાત્રે લગભગ 1:30 વાગ્યે આ અકસ્માત થયો. મક્કા-મદીના હાઇવે ઉમરાહ અને હજ યાત્રાળુઓ માટે સૌથી વ્યસ્ત માર્ગ છે. દર વર્ષે લાખો ભારતીયો આ માર્ગે મુસાફરી કરે છે. બસમાં આશરે 50 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મૃતકોમાંથી આશરે 18 લોકો હૈદરાબાદના હતા.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટર પર લખ્યું, "સાઉદી અરેબિયાના મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી ખૂબ જ આઘાત લાગ્યો છે. રિયાધમાં અમારું દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ આ અકસ્માતથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે."
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરેબિયામાં થયેલી બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે મક્કાથી મદીના જઈ રહેલા 42 હજ યાત્રીઓ બસમાં હતા જે બસમાં આગ લાગી હતી. તેમણે કહ્યું, "મેં રિયાધમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન (ડીસીએમ) અબુ માથેન જ્યોર્જ સાથે વાત કરી. તેમણે મને ખાતરી આપી કે તેઓ આ બાબતે માહિતી એકત્રિત કરી રહ્યા છે. મેં હૈદરાબાદમાં બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરોની વિગતો રિયાધ દૂતાવાસ અને વિદેશ સચિવ સાથે શેર કરી છે. હું કેન્દ્ર સરકાર, ખાસ કરીને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને વિનંતી કરું છું કે મૃતદેહોને ભારત પાછા લાવે અને કોઈપણ ઘાયલોને યોગ્ય સારવાર મળે તેની ખાતરી કરે."




















