રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ખાસ ટ્રેન ગુરુવારે સવારે નવી દિલ્હીથી મથુરા સુધી નોન-સ્ટોપ દોડી હતી. 18 કોચવાળી આ ટ્રેનને કોઈ અવરોધ ન આવે તે માટે સમગ્ર રૂટ પર ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. ટ્રેનની ગતિ 100 કિમી પ્રતિ કલાકથી વધુ પહોંચી ગઈ હતી.
આ દરમિયાન, મુંબઈ રાજધાની અને ગતિમાન એક્સપ્રેસ સહિત કુલ 16 ટ્રેનોને વિવિધ સ્થળોએ અટકાવી દેવી પડી. મુસાફરોને 40 મિનિટથી દોઢ કલાક સુધી સ્ટેશનો પર રાહ જોવી પડી. સાંજે પરત ફરતી વખતે પણ એ જ પરિસ્થિતિ રહી અને 11થી વધુ ટ્રેનો પર અસર થઈ.
અસરગ્રસ્ત ટ્રેનો
અપ લાઇન પર : ગતિમાન એક્સપ્રેસ, કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, હીરાકુડ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો અટકાવવામાં આવી.
ડાઉન લાઇન પર : મુંબઈ-નવી દિલ્હી રાજધાની, સિકંદરાબાદ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની સહિત 13 ટ્રેનો મથુરા-આગ્રા વચ્ચે રોકાઈ ગઈ.
સાંજે પરત ફરતી વખતે : નિઝામુદ્દીન-મુંબઈ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, છત્તીસગઢ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને અસર થઈ.
બે ડઝનથી વધુ માલગાડીઓ પણ સ્થિર રહી.
મુસાફરોની ફરિયાદો
ઘણા મુસાફરોએ રેલવે હેલ્પલાઇન અને DRM આગ્રા ઓફિસનો સંપર્ક કરીને ટ્રેનોના સ્ટોપેજ અંગે ફરિયાદ કરી.
એક મુસાફરે જણાવ્યું કે ગતિમાન એક્સપ્રેસ આગ્રા કેન્ટ સ્ટેશન પર દોઢ કલાક મોડી પહોંચી.
અન્ય મુસાફરે કહ્યું કે હીરાકુડ એક્સપ્રેસ કોસીકલાન નજીક લાંબા સમય સુધી ઉભી રહી.
અધિકારીઓની કડક દેખરેખ
ખાસ ટ્રેન પસાર થાય ત્યાં સુધી DRM કંટ્રોલ રૂમમાં વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. ઉત્તર મધ્ય રેલવે પ્રયાગરાજ ઝોનના જનરલ મેનેજર નરેશ પાલ સિંહ સતત મોનીટરીંગ કરતા રહ્યા. ખાસ ટ્રેન નવી દિલ્હી સ્ટેશન પર સુરક્ષિત રીતે પહોંચ્યા બાદ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.