IRS અધિકારી સમીર વાનખેડેએ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ દાવો અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી ખાનની કંપની, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ., OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય પક્ષો સામે કરવામાં આવ્યો છે.
અરજીમાં કાયમી અને ફરજિયાત મનાઈ હુકમ, ઘોષણા તથા નુકસાનીની માગ કરવામાં આવી છે. વાનખેડેનો આરોપ છે કે રેડ ચિલીઝ દ્વારા નિર્મિત અને નેટફ્લિક્સ પર પ્રસારિત વેબ સિરીઝ “બેડ્સ ઓફ બોલિવૂડ” ખોટી, દુર્ભાવનાપૂર્ણ અને માનહાનિકારક છે.
વાનખેડેના મુખ્ય આક્ષેપ
સિરીઝ એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓને નકારાત્મક રીતે દર્શાવે છે, જેના કારણે કાયદાના અમલીકરણ પ્રત્યે લોકોનો વિશ્વાસ નબળો પડે છે.
સિરીઝ ખાસ કરીને તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે બનાવવામાં આવી છે, ખાસ ત્યારે જ્યારે આર્યન ખાનનો કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે.
એક દ્રશ્યમાં “સત્યમેવ જયતે”ના નારા બાદ અશ્લીલ હાવભાવ દર્શાવવામાં આવ્યો છે, જે રાષ્ટ્રીય પ્રતીકનો અપમાન ગણાય છે અને રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971નું ઉલ્લંઘન છે.
સિરીઝ ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ તથા ભારતીય દંડ સંહિતા (BNS)ની વિવિધ કલમોનું ઉલ્લંઘન કરે છે.
વાનખેડેએ ₹2 કરોડનું નુકસાનીની માગ કરી છે, જે તેઓએ ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં કેન્સર દર્દીઓની સારવાર માટે દાન કરવાની વિનંતી કરી છે.