બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારત-બાંગ્લાદેશ સંબંધોને લઈને ગુરુવારે ન્યૂ યોર્કમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “હાલમાં બંને દેશો વચ્ચે તણાવ છે કારણ કે ભારતને ગયા વર્ષના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો પસંદ નહોતા.”
શેખ હસીનાના રાજીનામા પછીનો તણાવ
મોહમ્મદ યુનુસે જણાવ્યું કે ગયા વર્ષે થયેલા હિંસક વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો પછી ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપી ભારત ભાગી ગયા.
તેમણે આક્ષેપ કર્યો કે, “ભારત હજી પણ શેખ હસીનાને આતિથ્ય આપી રહ્યું છે, જે આપણા દેશમાં ઘણી સમસ્યાઓનું કારણ છે.”
“અમને તાલિબાન તરીકે બતાવવામાં આવે છે”
યુનુસે ભારતીય મીડિયાની પણ ટીકા કરી. તેમના કહેવા પ્રમાણે, મીડિયા દ્વારા ખોટા અહેવાલો પ્રસારીને બાંગ્લાદેશીઓને ‘ઇસ્લામવાદી’ અને ‘તાલિબાન’ તરીકે રજૂ કરવામાં આવે છે.
તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું : “શું તમે મને તાલિબાની કહેશો? તેઓ મને તાલિબાનનો વડા કહે છે, પરંતુ અમારે એવું કરવાની જરૂર નથી.”
ભારતની ચિંતાઓ
નવી દિલ્હી ઘણીવાર બાંગ્લાદેશના નેતૃત્વ સામે ભારત વિરોધી વાણી-વર્તન તથા ઉત્તરપૂર્વીય પ્રદેશ અંગેના નિવેદનો માટે સખત પ્રતિસાદ આપી ચૂક્યું છે. સાથે જ, બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થતા હુમલાઓ અંગે ભારતે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે.
SAARC પર મોટું નિવેદન
યુનુસે દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC)ની નિષ્ક્રિયતા માટે પણ સીધો ભારતને જવાબદાર ઠેરવ્યું.
તેમણે કહ્યું : “આઠ દેશોનો આ જૂથ છેલ્લા દાયકાથી નિષ્ક્રિય છે કારણ કે તે એક દેશના રાજકારણમાં બંધાયેલો છે. જો સાર્ક ફરી સક્રિય થાય, તો બાંગ્લાદેશ પ્રાદેશિક વેપાર અને દરિયાઈ પ્રવેશ માટે પુલનું કામ કરી શકે છે.”
નોંધનીય છે કે પાકિસ્તાન પણ વારંવાર SAARCને ફરી સક્રિય કરવા માટે હાકલ કરતું રહ્યું છે.