ભારત સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવા માટે એક મોટો કરાર કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે HALને કુલ 97 લાઈઠ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) Mk1A તેજસ બનાવવા માટે ₹62,370 કરોડનો ઓર્ડર આપ્યો છે.
આ કરાર હેઠળ 68 સિંગલ-સીટર ફાઇટર જેટ અને 29 ડબલ-સીટર ટ્રેનર જેટ બનાવવામાં આવશે. તેમની ડિલિવરી 2027-28માં શરૂ થશે અને આગામી છ વર્ષમાં પૂર્ણ થશે.
સરકારના જણાવ્યા મુજબ, આ તેજસ વિમાનોમાં 64%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થશે અને 67 નવા સ્વદેશી ઘટકો સામેલ કરવામાં આવશે, જે “આત્મનિર્ભર ભારત” પહેલને મજબૂત બનાવશે.
આ પહેલો ઓર્ડર નથી. ફેબ્રુઆરી 2021માં HALને 83 તેજસ Mk1A એરક્રાફ્ટ બનાવવા માટે ₹46,898 કરોડનો કરાર આપવામાં આવ્યો હતો. તેની ડિલિવરી 2028 સુધીમાં પૂર્ણ થવાની છે.
નેક્સ્ટ જનરેશન તેજસ Mk1A, ભારતીય વાયુસેનાના MiG-21 ફાઇટર જેટને બદલશે, જે 26 સપ્ટેમ્બર 2025થી નિવૃત્ત થઈ રહ્યા છે. HALને હાલમાં Mk1A માટે જરૂરી એન્જિન મળવાનું શરૂ થઈ ગયું છે, જેથી સમયસર ઉત્પાદન શરૂ કરી શકાય.