New Jersey થી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ, 7 October 2023 બાદ ગાઝામાં નકલ્પી શકાય તેવી ભેંકાર શાંતિ છે. યુદ્ધ વિરામની ઘોષણા તો થઈ, પરંતુ લાખો લોકો માટે રહેવા ઘર નથી, પાણી નથી, વીજળી નથી, રસ્તાઓ નથી, જરૂરિયાત પૂરતું અન્ન નથી કે દવાઓ નથી. હજારો પરિવારો તેમના સ્વજન ગુમાવી ચૂક્યા છે, જેમાં મહિલાઓ, પુરુષો અને બાળકો મુખ્ય છે. કરારના પ્રથમ તબક્કા પછી, ગાઝામાં તણાવ ઘટ્યો છે, પરંતુ સ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર, અસ્થિર અને વિકટ છે. 10 ઓક્ટોબરના મધ્યાહ્નથી કરાર અમલમાં આવ્યો, જેમાં ઇઝરાયેલી સેના (IDF) શહેરી વિસ્તારોમાંથી આંશિક પાછી ખેંચાઈ છે, પરંતુ તેઓ હજુ 53-58% ગાઝાના વિસ્તાર પર નિયંત્રણ જાળવી રાખ્યું છે. આ કરારમાં માનવીય સહાય વધારવી, કેદીઓનો વિનિમય અને પુનર્નિર્માણની યોજના છે, પરંતુ તાત્કાલિક અમલમાં અડચણો છે, જેમ કે નેઝરિમ કોરિડોર હજુ બંધ છે. ગાઝામાં 2 વર્ષના યુદ્ધથી 66,000થી વધુ લોકો માર્યા ગયા છે, 1.6 લાખથી વધુ ઇજાગ્રસ્ત છે, અને 80% થી 85% ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે.
વિકરાળ સમસ્યાઓ મોં ફાડીને ઉભી છે:
જેમ કે,
માનવીય સંકટ:
ભૂખમરી અને અન્ન-દુષ્ણતા ફેલાઈ છે; 90% વસ્તી (લગભગ 19 લાખ લોકો) ડિસ્પ્લેસ્ડ છે, જેમાંથી ઘણા 10 વખતથી વધુ વિસ્થાપિત થયા છે. સીઝફાયર પછી હજારો ટ્રક્સ માનવીય સહાય પ્રવેશવાની રાહમાં છે, UNRWA અને IRC જેવી સંસ્થાઓએ 4.3 લાખથી વધુ લોકોને મદદ કરી છે, પરંતુ 2025ના $4 અબજના ફંડના માત્ર 28% જ મળ્યા છે.
આરોગ્ય અને પાણી:
70% થી વધુ વસ્તીને પીણાનું પાણી મળતું નથી; 5 લાખથી વધુ લોકોને ભૂખમરીનું જોખમ છે. હોસ્પિટલો અને ક્લિનિક્સ નષ્ટ થયા છે, અને રોગો જેમ કે પોલિયો ફેલાઈ રહ્યા છે.
સુરક્ષા:
કેટલાક વિસ્તારોમાં IDFની હાજરી અને કોરિડોરની નાકાબંધીને કારણે લોકો પાછા ફરવામાં મુશ્કેલી પડી રહી છે. 10 ઓક્ટોબર 2025ના દિવસે ઉજવણીઓ થઈ, પરંતુ વાસ્તવિકતા દુઃખદ છે, લોકો ખંડેર બની ચૂકેલી ઇમારતો તરફ પરત આવી રહ્યા છે. જ્યાં તેમને ખબર છે કે રાહતના કોઈ સમાચાર નહીં મળે ના તો ઘર કે પરિવારજનોના રોજગાર કે સાધનો.
સૌથી મોટો સવાલ એ છે કે ઘર ગુમાવનારા લોકો ક્યાં અને કેવી રીતે રહેશે?
ગાઝાની 80%થી વધુ બિલ્ડિંગ્સ નષ્ટ થઇ ગઇ છે, અને 1.2 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત છે. સીઝફાયર પછી હજારો લોકો પગપાળા અથવા વાહનોમાં ઉત્તર તરફ (ગાઝા સિટી તરફ) પરત ફર્યા છે, પરંતુ તેમને ઘરોના ખંડેર જ મળ્યા છે.
92% રહેણાંક સુવિધાઓ નેસ્ત નાબૂદ
88% વ્યાપારી સ્થળો નષ્ટ
735 હોસ્પિટલ/ક્લિનિક પર હૂમલા
91.7% કૃષિભૂમિને નુકસાન.
564 શાળાઓ સંપૂર્ણ નષ્ટ
અમેરિકન 200 સૈનિકો ઇઝરાયેલમાં મોનિટરિંગ કરશે. રફાહ ક્રોસિંગ 14 ઓક્ટોબરથી ખુલશે. ગાઝા પટ્ટીમાં 50 મિલિયન ટન ડેબ્રીસ સાફ કરવાની જરૂર છે. સમગ્ર ગાઝા કાટમાળમાં ફેરવાઈ ગયો છે. જો યુદ્ધના ધોરણે ગાઝાને ફરીથી વસાવાના પ્રયત્નો શરૂ થાય તો ઓછામાં ઓછા 15 વર્ષનો લાંબો સમય લાગી શકે તેમ છે.