ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આવકની અસમાનતા હવે ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. G-20 હેઠળ દક્ષિણ આફ્રિકાના અધ્યક્ષપદ દરમિયાન પ્રકાશિત થયેલા નવા અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં 2000 થી 2023 દરમિયાન ટોચના 1% ધનિક લોકોની સંપત્તિમાં 62% નો ઉછાળો નોંધાયો છે.
આ અહેવાલ અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા જોઝેફ સ્ટિગ્લિટ્ઝના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયો છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વૈશ્વિક સ્તરે વધતી અસમાનતા માત્ર આર્થિક સમતુલનને નહીં, પરંતુ લોકશાહી સંસ્થાઓ અને આબોહવા પરિવર્તન સંબંધિત પ્રગતિને પણ ખતરામાં મૂકી રહી છે.
અહેવાલ અનુસાર, 2000 થી 2024 દરમિયાન વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિમાંથી 41% હિસ્સો ટોચના 1% લોકો પાસે ગયો છે, જ્યારે નીચેના 50% લોકોને ફક્ત 1% હિસ્સો મળ્યો છે. આ આંકડાઓ વિશ્વના મોટાભાગના વિકસતા દેશોમાં જોવા મળતા અસમાનતા વધારાના ટ્રેન્ડને પ્રતિબિંબિત કરે છે.
ભારત-ચીન તુલનાત્મક સ્થિતિ
રિપોર્ટ મુજબ, ચીનમાં ટોચના 1% ધનિક લોકોની સંપત્તિમાં 54% નો વધારો થયો છે, જે ભારત કરતા ઓછો છે. જોકે, બંને દેશોમાં માથાદીઠ આવકમાં સુધારો નોંધાયો હોવા છતાં આંતરિક અસમાનતા વધુ વધી છે.
અર્થશાસ્ત્રીઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે આર્થિક અસમાનતા સ્વાભાવિક નથી, પરંતુ તે રાજકીય અને નીતિગત નિર્ણયોના પરિણામરૂપ છે. યોગ્ય રાજકીય ઇચ્છાશક્તિ અને સમાનતાધારિત નીતિઓ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.
વૈશ્વિક સ્તરે ‘પેનલ ઓન ઇક્વાલિટી’ની ભલામણ
અહેવાલમાં સૂચન કરવામાં આવ્યું છે કે જેમ Intergovernmental Panel on Climate Change (IPCC) આબોહવા પરિવર્તન માટે વૈશ્વિક ડેટા એકત્રિત કરે છે, તેમ અસમાનતા માટે International Panel on Equality (IPE)ની રચના કરવી જોઈએ. આ પેનલ વૈશ્વિક સ્તરે આવક વિતરણ અને સંપત્તિ એકાગ્રતાના ડેટા પર નજર રાખશે અને સરકારોને નીતિગત સૂચનો આપશે.
આ રિપોર્ટ તૈયાર કરવામાં ભારતીય અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, વિની બાયનયિમા, અને ઇમરાન વાલોડિયા જેવા નિષ્ણાતોએ ભાગ લીધો હતો. તેમણે ચેતવણી આપી છે કે જો અસમાનતા ઘટાવવા માટે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે, તો તે સામાજિક સ્થિરતા, લોકશાહી માળખા અને આર્થિક વૃદ્ધિ પર લાંબા ગાળે વિનાશક અસર કરી શકે છે.
રિપોર્ટના અંતમાં કહેવામાં આવ્યું છે કે “અસમાનતા ઘટાડવી શક્ય છે, પરંતુ તે માટે વૈશ્વિક સહકાર, ન્યાયસંગત નીતિઓ અને રાજકીય હિંમત જરૂરી છે.”





















