Fake Pesticides Fertilizers: ખેતીમાં સફળતા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતરો અને બિયારણનો ઉપયોગ અનિવાર્ય છે. પરંતુ બજારમાં નકલી ખાતરો અને બિયારણની હેરફેર ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહી છે. જેથી કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ અંગે એક્શન મોડમાં છે. ત્યારે આવા અસલી અને નકલી ખાતરો અને બિયારણની ઓળખ કરવાની સરળ અને ઝડપી રીત અમે તમારી માટે લઈને આવ્યા છીએ. જેની મદદથી ભવિષ્યમાં ખરીદી કરતા સમયે છેતરાય ન જાઓ અને સજાગ રહીને યોગ્ય યોગ્ય નિર્ણય લઈ શકો.
આ રીતે કરો અસલી ખાતરોની ઓળખ
અસલી ખાતરની ઓળખ કરવા માટે ખરીદતી વખતે પેકેજિંગ અને લેબલનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું જરૂરી છે. આ સિવાય અસલી ખાતરની થેલી પર ઉત્પાદકનું નામ, લાયસન્સ નંબર, બેચ નંબર અને ઉત્પાદન તથા સમાપ્તિ તારીખ સ્પષ્ટ લખેલી હોવી જોઈએ. આ ઉપરાંત, ખાતરમાં નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P) અને પોટાશ (K)નું પ્રમાણ દર્શાવેલું હોવું જોઈએ, જે પાકની જરૂરિયાત મુજબ હોવું જરૂરી છે. ખેડૂતોએ હંમેશા સરકાર માન્ય અથવા જાણીતી કંપનીના ખાતરો ખરીદવા જોઈએ અને સસ્તા ભાવે મળતા અજાણ્યા બ્રાન્ડથી દૂર રહેવું જોઈએ. ખાતરના દાણાનો રંગ, કદ અને ગંધ પણ સામાન્ય હોવા જોઈએ, કારણ કે, નકલી ખાતરમાં ઘણીવાર ધૂળ કે અશુદ્ધિઓ જોવા મળે છે.
નકલી ખાતરોને આ રીતે ઓળખો
ખાતરની ખરીદી કરતા સમયે નકલી ખાતર ન ખરીદી લો તે માટે સતર્ક રહેવું જરૂરી છે. જેની માટે તમારે ખાતરની થેલી પર કેટલીક બાબતો ધ્યાન પૂર્વક ચકાસવી જોઈએ. નકલી ખાતરની થેલી પર લેબલ અસ્પષ્ટ, ખોટું કે અધૂરું હોય છે. ઘણીવાર નકલી ખાતરના દાણા અસમાન, ખરબચડા કે ખૂબ નાના-મોટા હોય છે. જેથી આ બાબતોની ચકાસણી કર્યા બાદ ખરીદી કરવાથી ખેડૂતમિત્રો નકલી ખાતરની ખરીદી કરતા બચી શકે છે.
ખેડૂતો માટે સલાહ: સજાગ રહો, સુરક્ષિત રહો
ખાતર અને બિયારણ ખરીદતી વખતે હંમેશા બિલ માંગવું અને તેની વિગતો ચકાસવી જરૂરી છે. જો શંકા હોય તો, નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા સરકારી લેબોરેટરીમાં ખાતર અને બિયારણનું પરીક્ષણ કરાવી શકાય છે. ખેડૂતોએ સસ્તા ભાવના લાલચમાં ન આવવું જોઈએ અને ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. સરકાર દ્વારા ચલાવવામાં આવતી જાગૃતિ યોજનાઓ અને કૃષિ વિભાગની સલાહનો લાભ લઈને ખેડૂતો પોતાની ખેતીને સુરક્ષિત અને લાભદાયી બનાવી શકે છે.