પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં 6 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર ભૂસ્ખલનને કારણે લોખંડનો પુલ તૂટી પડ્યો છે. મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને કાટમાળ દૂર કરી રહી છે.
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદે તબાહી મચાવી
અહેવાલો અનુસાર, ડુડિયા આયર્ન બ્રિજ તરીકે ઓળખાતો આ લોખંડનો પુલ મિરિક અને કુર્સિઓંગને જોડે છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ કાટમાળ અને કાદવથી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે દાર્જિલિંગ, કૂચ બિહાર, કાલિમપોંગ, જલપાઇગુડી અને અલીપુરદુઆરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશોમાં સોમવાર સુધી ભારે વરસાદની આગાહી રહેશે.
દાર્જિલિંગમાં પુલ તૂટ્યો
ભારે વરસાદને કારણે જલપાઇગુડીમાં માલબજાર પાણીમાં ડૂબી ગયું હતું. તીસ્તા, માલ અને અન્ય પર્વતીય નદીઓ પૂરમાં છે. હવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમ ઝારખંડ પર રચાયેલું નીચા દબાણનું ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ એટલે કે બિહાર તરફ આગળ વધી શકે છે. ભારે વરસાદના કારણે કાલિમપોંગ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગંભીર છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. ભૂસ્ખલનને કારણે સિલિગુડી અને સિક્કિમને જોડતા વૈકલ્પિક માર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 717E પર કાટમાળ જમા થયો છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. પેડોંગ અને ઋષિખોલા વચ્ચે ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.