Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપમાંથી ટિકિટ મેળવવા નેતાઓએ લોબિંગ, સેટિંગ, સામ-દામ-દંડ-ભેદ બધા લગાવી દીધું. પણ યાદી જાહેર થતાં જ અનેકના અરમાનો પર પાણી ફરી વળ્યું. અનેક જૂનાજોગીઓના પત્તા કાપીને ભાજપે નવો બેન્ચ માર્ક સેટ કરવાનો પ્રયાસ કર્યો છે. એવામાં અમદાવાદમાં ભાજપમાં ઉમેદવારોના નામો જાહેર થયા બાદ અનેક જગ્યાએ અસંતોષની આગ ભભૂકી ઉઠી છે. જેને પગલે ઘણાં ઠેકાણે ઉમેદવારનું નામ જાહેર કરી દેવાયું, ટિકિટની ફાળવણી થઈ ગઈ અને કાર્યકરોએ બાબલ કરતા છેલ્લાં ટાઈમે ઘણી જગ્યાએ ભાજપ ઉમેદવાર બદલવાની ફરજ પડી. તમે વિચાર તો કરો કે એકવાર જેને ભાજપમાંથી ટિકિટ મળી જાય, નામ જાહેર થઈ જાય, ઉમેદવાર રાજીરાજી થઈને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય અને પછી ગણતરીના જ કલાકોમાં પાર્ટી દ્વારા તેનું જ પત્તું કાપી નાંખવામાં આવે તો એવા ઉમેદવારની શું દશા થાય.
આ પણ વાંચોઃ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં બળવો : 12 વર્ષ બાદ કાર્યકરોમાં ઉગ્ર નારાજગી, ટિકિટ વિતરણ પર વિવાદ
પહેલાં પત્તું કાપ્યું પછી બબાલ બાદ પાલડીમાં જૈનિક વકીલ રિપીટઃ
અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાં પાલડી વોર્ડમાંથી ઉમેદવાર જાહેર કરવા માટે ખૂબ મથામણ સર્જાઇ હતી. કલાકો સુધી રકઝક બાદ પાલડીમાંથી પ્રીતિશ મહેતા કે જૈનિક વકીલને ઉમેદવાર જાહેર કરવાની જગ્યાએ ભાજપ દ્વારા પહેલાં આશિષ શાહને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પાલડીમાંથી સિનિયર કોર્પોરેટરોને કાપવામાં આવતા ભારે અસંતોષ જોવા મળ્યો હતો. જેના પગલે કાર્યકરોએ બબાલ કરતા છેલ્લાં ટાઈમે ફરીથી ભાજપ દ્વારા મામલો શાંત પાડવા જૈનિક વકીલને રિપીટ કરવાની ફરજ પડી.
આ પણ વાંચોઃ 'ઢોંસાનું ખીરું' કેસમાં કોઈએ નહીં વિચાર્યું હોય એવું થયું : માતા-પિતા બાદ દાદા-દાદી સુધી પહોંચ્યો તપાસનો રેલો, જાણો આગળ શું થશે
અમદાવાદના જમાલપુર વોર્ડમાં ભાજપના ઉમેદવાર બદલાયાઃ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટ બાદ અમદાવાદ ભાજપમાં પણ ઉમેદવાર બદલાયા છે. જમાલપુર વોર્ડમાં જાહેર કરાયેલા ઉમેદવાર બદલાયા છે. ભાજપે અગાઉ કલ્પના કહારને આપેલું મેન્ડેટ બદલવું પડ્યું છે. કલ્પના કહારને બદલે હવે ભાજપમાંથી પ્રિયંકા કહારે ઉમેદવારી ફોર્મ ભર્યું. ચૂંટણી પંચના નિયમો મુજબ યોગ્યતા ન હોવાને કારણે ઉમેદવાર બદલવાની સ્થિતિ ઊભી થઈ હતી. ચૂંટણી પંચના નિયમ મુજબ ઉમેદવાર ન હોવાથી પ્રિયંકા કહારને ટિકિટ આપવામાં આવી છે.
ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ભડકોઃ
રાજકોટના વોર્ડ નંબર 7માં ભાજપમાં શૈલેષ જાનીના બદલે હવે બ્રહ્મ સમાજના જ પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલા ચૂંટણી લડશે. રાજકોટમાંથી ટિકિટ કપાવવાની ચર્ચા વચ્ચે છેલ્લાં ટાઈમે પાર્ટીએ દાવ કરતા શૈલેષ જાની વિજય વિશ્વાસ સંમેલનના સ્ટેજ પરથી ઉતરી ચાલ્યા ગયા છે. રાજકોટમાં ભાજપના વિજ્ય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવારની ટિકિટ કપાઈ ગઈ છે. વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીના બદલે હવે બ્રહ્મ સમાજના જ પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલા ચૂંટણી લડશે. સાથે જ વોર્ડ નં-11ના રક્ષિત કલોલા પણ બદલાઈ શકે છે.
ટિકિટ કપાયા બાદ ભાજપમાં કકળાટ યથાવત છે. ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગીતા પટેલની ટિકિટ કપાયા બાદ સોશિયલ મીડિયામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપના ગ્રુપના સ્ક્રીન શોટ્સ વાઇરલ કરવામાં આવી રહ્યા છે. ટિકિટ માટે 25-30 લાખ લીધા હોવાના આક્ષેપ અને રાજીનામું આપવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખોખરા વોર્ડમાં ગઈકાલે ટેલિફોનીક સૂચના બાદ શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ચૂંટણી લડવાના સપના રોળાયા છે. ફોન આવ્યો પણ ટિકિટ મળી નહોતી ખોખરામાં પરાગ નાયકને ફોન આવતા ગેલમાં આવી ઉજવણી કરી હતી. લોકોએ પરાગ નાયક સાથેના ફોટો પણ શેર કર્યા હતા. રાત્રિના લિસ્ટ જાહેર થતા પરાગ નાયકની ટિકિટ કપાઈ હતી. ખોખરા વોર્ડમાંથી કમલેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસમાં ચાલી રહ્યો છે ભારે કકળાટઃ
બીજી તરફ કોંગ્રેસનો કકળાટ પણ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીર્મીઝિએ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું હતું. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યોએ જ મને ટિકિટ ન મળે તે માટે કાવતરું રચ્યું છે. 3 વાગ્યા પહેલા પાર્ટી મને મેન્ડેટ આપી દેશે. જો મેન્ડેટ નહીં મળે તો હું ચૂંટણી લડીશ નહીં. જે બાદ હું ધારાસભ્ય પાછળ પડી જઈશ. ધારાસભ્યને હું હવે છોડીશ નહીં.
ઉલ્લેખનીય છેકે, આજે 11 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ જેમની જેમના જેમના પત્તા કપાયા છે એ લોકો આજે બજારમાં દેખાયા નથી.






