Home Gujarat Ahmedabad Ahmedabad Amc Election 2026 Bjp Candidate List No Repeat Theory

અમદાવાદ મનપામાં ભાજપનું મોટું ઓપરેશન : મેયર સહિત કોના-કોના પત્તા કપાયા? જાણો કયા ચહેરા છે અમદાવાદ ભાજપના ત્રણ એક્કા

BJP Candidate List Ahmedabad
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 11, 2026, 07:25 AM IST

AMC Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ હવે તેની ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. ભાજપે અમદાવાદ મનપાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરતાની સાથે જ ભડકો થયો છે. ખાસ કરીને ગુજરાતની સૌથી મોટી અને મહત્ત્વની મહાનગર પાલિકા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અમદાવાદ મનપામાં કુલ 48 વોર્ડની 192 બેઠકો છે. ગત ટર્મમાં 192નાંથી 160 કોર્પોરેટરો ભાજપના હતા. જે પૈકી આ વખતે મોટાભાગના જૂના ચહેરાઓને ઘરભેગા કરી દીધાં છે.

મેયર સહિતના મોટા માથાઓના પત્તા કાપીને ભાજપે દરેકને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે. જ્યારે જે ચહેરાઓ પર પક્ષને ભરોસો હતો એવા ચહેરાઓની ફરીથી તક આપવામાં આવી છે. જાણો કોના-કોના પત્તા કપાયા અને કયા નવા ચહેરાઓને તક અપાઈ. આ સાથે જ આ ચૂંટણીમાં અમદાવાદ મનપા માટે ભાજપના કયા ત્રણ ચહેરાઓ ત્રણ એક્કા બનીને ઉભરી આવ્યાં છે તે પણ જાણો...

અમદાવાદ મનપમાં આ વખતે ભાજપે કુલ 192 ઉમેદવારોની યાદીમાંથી 60 ટકાથી વધુ એટલે કે 120 થી વધુ જૂના કોર્પોરેટરોની ટિકિટ કાપીને એક કડક સંદેશો આપ્યો છે. હવે વાત પર્ફોમ ઓર પેરિસ પર આવી ગઈ છે. ગુજરાતની નવી ટીમ અને નવા નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું છેકે, હવે ઓળખાણ નહીં પણ કામ જ બોલશે. બીજી તરફ આ વખતે અમદાવાદ મનપામાં ભાજપ દ્વારા 90 મહિલાઓને સ્થાન આપીને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો. કુલ 36 જૂના જોગીઓને ફરી તક આપવામાં આવી છે. જ્યારે કેટલાંક વોર્ડમાં તો આખે આખી પેનલો પણ બદલી નાંખીને ભાજપે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. શહેરના પોશ વિસ્તારોમાં ખાસ કરીને ઘાટલોડિયા, થલતેજ અને નારણપુરા જેવા મહત્વના વોર્ડમાં પણ ચારમાંથી ત્રણ ઉમેદવારો નવા લાવી ભાજપે મોટો ફેરફાર કર્યો છે.

કડક રણનીતિ અને 'નો-રિપીટ'ના આકરા માપદંડો: દિગ્ગજોના કરિયર પર બ્રેક

આગામી ચૂંટણી માટે ટિકિટની ફાળવણીમાં પક્ષે ત્રણ એવા માપદંડો રાખ્યા હતા જેણે અનેક નેતાઓનો મનસૂબો ધૂળમાં મેળવી દીધો છે. ઉમેદવારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ, જે તે વ્યક્તિ ત્રણ ટર્મથી વધુ વખત ચૂંટણી લડેલી ન હોવી જોઈએ અને છેલ્લે, ઉમેદવારનો સામાજિક તથા રાજકીય રેકોર્ડ બિલકુલ બેદાગ હોવો જોઈએ.

આ પાયાના નિયમોના ચુસ્ત અમલને કારણે શહેરના કેટલાક એવા માથાઓની ટિકિટ કપાઈ છે જેઓ પોતાને અજેય માનતા હતા. પરંતુ વાત અહીં અટકતી નથી, આ કડક નિર્ણયના સપાટામાં શહેરના વર્તમાન અને પૂર્વ ટોચના પદાધિકારીઓ પણ આવી ગયા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે.. ખુદ વર્તમાન મેયર પ્રતિભા જૈનની ટિકિટ પણ આ વખતે કાપી નાખવામાં આવી છે.

મેયરના હોદ્દા પર હોવા છતાં તેમને રિપીટ ન કરીને પક્ષે કાર્યકરોને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે હવે વ્યક્તિ નહીં પણ સંગઠન અને શિસ્ત સર્વોપરી છે. આ યાદીમાં મેયર પ્રતિભા જૈન, પૂર્વ મેયર કિરીટ પરમાર, વર્તમાન ડેપ્યુટી મેયર જતિન પટેલ, પ્રીતિશ મહેતા અને વિરલ વ્યાસ જેવા કદાવર નેતાઓના નામ પણ ગાયબ છે. એવું માનવામાં આવે છે કે એન્ટિ-ઇન્કમ્બન્સી એટલે કે સત્તા વિરોધી લહેરની અસર નાબૂદ કરવા અને નવી નેતાગીરી તૈયાર કરવા માટે હાઈકમાન્ડે આ 'સર્જિકલ સ્ટ્રાઈક' કરી છે.

આ છે અમદાવાદ ભાજપના ત્રણ એક્કા:

જ્યાં એકબાજુ ગત ટર્મના 160 કોર્પોરેટરોમાંથી 60 ટકા લોકોના પત્તા કાપીને સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો લાવી દીધો છે. ત્યાં બીજીતરફ 3 નેતાઓ અમદાવાદ ભાજપ માટે ત્રણ એક્કા તરીકે ઉભરી આવ્યાં છે. જેઓ પક્ષ અને હાઇકમાન્ડનો ભરોસો ટકાવી રાખવામાં સફળ રહ્યાં છે. જેને કારણે તેમના પર ફરી એકવાર પાર્ટીએ વિશ્વાસ મુકીને ટિકિટ આપી છે.

1) દેવાંગ દાણીઃ

આ યાદીમાં સૌથી શક્તિશાળી નામ તરીકે બોડકદેવ વોર્ડના દેવાંગ દાણી ઉભરી આવ્યા છે. ગત ટર્મના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને ભાજપે ત્રીજીવાર રિપીટ કર્યા છે. તેઓ આ વખતે સતત ત્રીજી વાર અમદાવાદ મનપાની ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ફોર્મ ભરતા પહેલા જે રીતે માનવ મંદિર અને ગણપતિ દાદાના આશીર્વાદ લીધા, તે તેમના ઝુકાવ અને વિસ્તારમાં તેમની પકડને દર્શાવે છે.

2) ધરમશી દેસાઈઃ

બીજું મહત્વનું નામ ધરમશી દેસાઈનું છે. AMTSના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા ધરમશીભાઈને તેમની વહીવટી સૂઝબૂઝ અને લોકો વચ્ચેની મજબૂત છબીનો સીધો ફાયદો મળ્યો છે. હવે અહીં એક મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે કે, રાજકીય વર્તુળોમાં અત્યારથી જ તેમને આગામી સમયના મેયર પદના સૌથી મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

3) હિતેશ બારોટઃ

અમદાવાદના થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટને ફરી એકવાર ટિકિટ આપીને ભાજપે તેમના પર ભરોસો દર્શાવ્યો છે. હિતેશ બારોટ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ખુબ જ નજીકના માનવામાં આવે છે. તેઓ અગાઉ પણ અમદાવાદ મનપામાં સ્ટેડિંગ કમિટિ ચેરમેનના પદ પર રહી ચૂક્યા છે. આ વખતે પક્ષે ફરી એકવાર જૂના જોગી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેઓ પણ અમદાવાદ મનપાના ભાજપના સીનીયર મોસ્ટ નેતાઓમાંથી એક છે.

અમદાવાદમાં ભાજપે કોને-કોને રિપીટ કર્યા?

અમદાવાદ મનપાના 48 વોર્ડમાં કુલ 192 બેઠકો છે. જેમાં ગત ટર્મમાં 192માંથી ભાજપના 160 કોર્પોરેટરો હતા. આવખતે તેમાંથી ઢગલાબંધ લોકોના પત્તા કાપીને ભાજપે માત્ર 36 નામોને રિપીટ કર્યા છે. તેમાં મુખ્યત્વે એવા નામો છે જેમણે પોતાના વોર્ડમાં જમીની સ્તરે કામ કર્યું છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નજર નાખીએ તો, ગોતા વોર્ડમાંથી કેતન પટેલ, ચાંદલોડિયામાંથી રાજશ્રી પટેલ અને ચાંદખેડામાંથી રીટાબેન પટેલ પક્ષનો વિશ્વાસ જીતી શક્યા છે. સાબરમતી વોર્ડમાં અંજુબેન શાહ અને ચેતન પટેલ એમ બે બેઠકો પર જૂના ચહેરાઓને અકબંધ રખાયા છે. રાણીપમાંથી ભાવિ પંચાલ અને ઘાટલોડિયામાંથી પ્રવીણ અંબાલાલ પટેલ પણ પોતાની ટિકિટ બચાવી શક્યા છે. થલતેજના હિતેશ બારોટની સાથે જ નારણપુરામાં દર્શન શાહનું નામ પણ નિશ્ચિત કરાયું છે.

પૂર્વ અમદાવાદ અને મધ્ય ઝોનની સ્થિતિ જોઈએ તો, નરોડામાંથી વિપુલ પટેલ અને સૈજપુર બોઘામાંથી વિનોદકુમારી ચૌધરીને રિપીટ કરાયા છે. અસારવામાંથી અનસૂયા પટેલ, શાહીબાગમાંથી જશુભાઈ ઠાકોર અને શાહપુરમાંથી રેખા ચૌહાણને પક્ષે ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. દક્ષિણ અમદાવાદમાં, પાલડીમાંથી ચેતના પટેલ, વાસણામાંથી મેહુલ શાહ અને વેજલપુરમાંથી રાજેશ ઠાકોર અને પારુલ દેસાઈ એમ બંનેને રિપીટ કરાયા છે. ઓઢવમાં નીતા દેસાઈ અને મીનુ ઠાકુર, ઇન્દ્રપુરીમાં કૌશિક પટેલ, વસ્ત્રાલમાં પરેશ પટેલ અને ખોખરામાં કમલેશ પટેલ પોતાની જગ્યા ટકાવી રાખવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરા કોંગ્રેસમાં ટિકિટ વોર : વોર્ડ-1માં 3 મહિલાની પેનલ જાહેર થતા હરીશ પટેલની બગાવત, અપક્ષમાં લડશે ચૂંટણી

યુવા જોશ અને ભવિષ્યનું આયોજન

પક્ષે માત્ર પત્તા જ નથી કાપ્યા, પરંતુ ભવિષ્યની લીડરશીપ માટે યુવા ચહેરાઓને પણ સ્થાન આપ્યું છે. સાબરમતી વોર્ડમાંથી ખુશી પરમાર અને નવા વાડજ વોર્ડમાંથી નિધિ વાઘેલા જેવા સાવ નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારીને પક્ષે સાબિત કર્યું છે કે હવે તેઓ મહિલા સશક્તિકરણ અને નવી પેઢીને આગળ લાવવા માટે કટિબદ્ધ છે. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, શું આટલા મોટા પાયે ફેરફાર પક્ષને ફાયદો કરાવશે કે નુકસાન? અમદાવાદના બાપુનગર, સરદારનગર, નરોડા સહિતના અનેક વિસ્તારોમાં ટિકિટ કપાતા જ ભડકો થયો છે અને અસંતોષની જ્વાળાઓ સપાટી પર આવી છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે.. વર્ષોથી કામ કરતા કાર્યકરોમાં વ્યાપેલી નારાજગી ચૂંટણી વખતે પક્ષને ક્રોસ-વોટિંગ કે નિષ્ક્રિયતાના રૂપે ભારે પડી શકે છે. આખરે, 26 એપ્રિલની આ ચૂંટણી કોઈ સામાન્ય જંગ નથી, પણ પક્ષના 'નો-રિપીટ' પ્રયોગની સૌથી મોટી કસોટી છે. એક તરફ શિસ્ત અને નવા ચહેરાઓ છે, તો બીજી તરફ અનુભવનું ભાથું ધરાવતા એ નારાજ નેતાઓ છે જેઓ અત્યારે મૌન છે. શું આ મૌન ચૂંટણીમાં કોઈ નવા વળાંક લાવશે? આ નિર્ણય અમદાવાદના આગામી 5 વર્ષના શાસનનું ભવિષ્ય નક્કી કરશે. 'નો-રિપીટ' થિયરી દ્વારા પક્ષે પ્રજામાં ફેલાયેલા રોષને શાંત કરવા અને સંગઠનમાં નવી ઊર્જા ફૂંકવા માટે મોટો જુગાર રમ્યો છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો અન્ય મહાનગરપાલિકાઓ માટે પણ આ એક મોડેલ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now