VMC Election 2026: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ માટે કોંગ્રેસે તમામ 19 વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત તો કરી દીધી, પરંતુ આ યાદી પક્ષમાં એક મોટો વિવાદ લઈને આવી છે. ટિકિટ ફાળવણીમાં વ્હાલા-દવલાની નીતિ અને જૂથવાદના આક્ષેપો સાથે વડોદરા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1માં ઉમેદવારોના અણધાર્યા સમીકરણો અને વોર્ડ નંબર 6માં યુવા નેતૃત્વની અવગણનાના કારણે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા જ સંગઠનમાં ભંગાણ પડતા કોંગ્રેસ માટે આગામી દિવસોમાં કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. એક તરફ પક્ષ એકતાના દાવા કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ નિષ્ઠાવાન કાર્યકરો અને હોદ્દેદારો પક્ષને રામ-રામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે અપક્ષ ઉમેદવારી અને રાજીનામાનો દોર ચૂંટણીના પરિણામો પર મોટી અસર પાડે તેવી શક્યતા છે.
વોર્ડ-1 માં અનોખો પ્રયોગ: ત્રણ મહિલા અને એક પુરુષની પેનલ
કોંગ્રેસે વોર્ડ નંબર-1માં તમામને ચોંકાવી દેતી 'થ્રી-પ્લસ-વન'ની ફોર્મ્યુલા અપનાવી છે. સામાન્ય રીતે પેનલમાં સમાન પ્રતિનિધિત્વ હોવાને બદલે અહીં ત્રણ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા અને સોના જહા દેસાઈનો સમાવેશ થાય છે, જ્યારે પુરુષ ઉમેદવાર તરીકે ડો. નિકુલ પટેલને ટિકિટ અપાઈ છે.

પૂર્વ કાઉન્સિલર હરીશ પટેલની બગાવત: અપક્ષ ફોર્મ ભરશે
વોર્ડ નંબર 1ના આ પ્રયોગમાં પૂર્વ કાઉન્સિલર હરીશ પટેલનું પત્તું કપાતા રાજકારણ ગરમાયું છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા હરીશ પટેલે હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી નોંધાવશે. જો હરીશ પટેલ મેદાનમાં ઉતરે છે, તો કોંગ્રેસની મતોની ટકાવારીમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આજે આ વોર્ડની સત્તાવાર પેનલ રેલી સ્વરૂપે સમા તળાવ ખાતે ફોર્મ ભરવા પહોંચશે ત્યારે હરીશ પટેલના સમર્થકો શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: વડોદરા ભાજપમાં ‘પરિવારવાદ’નો જબરદસ્ત દબદબો : પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરોના સંતાનોને મળી ટિકિટ
યુવા નેતાઓની અવગણના: NSUI પ્રદેશ ઉપપ્રમુખે પક્ષ છોડ્યો
વોર્ડ નંબર 6માં ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાનો આક્ષેપ કરીને MS યુનિવર્સિટીના પૂર્વ UGS અને NSUI ના પ્રદેશ ઉપપ્રમુખે તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, "મેં હજારો વિદ્યાર્થીઓનું નેતૃત્વ કર્યું અને પક્ષ માટે સંઘર્ષ કર્યો, છતાં લોકપ્રિયતાને બદલે માત્ર 'ભલામણ'ના આધારે ટિકિટ વહેંચવામાં આવી છે." નિષ્ઠાવાન યુવાનોના ભોગે માનીતાઓને ટિકિટ આપવાના આક્ષેપથી સોશિયલ મીડિયા પર પણ કોંગ્રેસની ખેંચતાણ જગજાહેર થઈ છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે કપરી સ્થિતિ
વડોદરામાં ભાજપ સામે મજબૂત લડત આપવાને બદલે કોંગ્રેસ અત્યારે આંતરિક વિખવાદમાં ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ અનુભવી નેતાઓ શક્તિપ્રદર્શન કરી ફોર્મ ભરી રહ્યા છે, તો બીજી તરફ યુવા સંગઠનમાં પડી રહેલા ગાબડા પક્ષની લડતને નબળી પાડી શકે છે. અસંતુષ્ટોને મનાવવામાં પક્ષ નિષ્ફળ રહેશે તો મહાનગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસને ફરી એકવાર પછડાટ ખાવી પડી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસનું 'સસ્પેન્સ' ખતમ : છેલ્લી ઘડીએ 132 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોનું પત્તું કપાયું?





