Home Gujarat Vadodara Vadodara Bjp Family Politics Ticket Controversy

વડોદરા ભાજપમાં ‘પરિવારવાદ’નો જબરદસ્ત દબદબો : પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરોના સંતાનોને મળી ટિકિટ

વડોદરા ભાજપ કાર્યાલય બહાર ઉભેલા કાર્યકરો ટિકિટ ફાળવણી મુદ્દે ચર્ચા
Published by: Viral Patel
Last Updated: Apr 11, 2026, 05:55 AM IST

Vadodara BJP Politics: ભારતીય જનતા પાર્ટી હંમેશા 'વ્યક્તિગત રાજનીતિ' અને 'પરિવારવાદ' વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહી છે, પરંતુ વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે ટિકિટ ફાળવણીમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. વડોદરામાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં સ્પષ્ટપણે પરિવારવાદની ઝલક જોવા મળી છે, જેને પગલે પક્ષના પાયાના કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે. ભાજપે આ વખતે પૂર્વ ધારાસભ્યો અને દિગ્ગજ પૂર્વ કોર્પોરેટરોના પુત્ર, પુત્રી અને પુત્રવધૂઓ સહિત પરિવારના 8 જેટલા સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.

કોને મળી ક્યાંથી ટિકિટ?

ભાજપે અનેક જૂના જોગીઓના વારસદારો પર વિશ્વાસ મૂક્યો છે. જેમાં મુખ્ય નામો નીચે મુજબ છે,,,,

  • ઉપેન્દ્ર (વિષ્ણુ) પ્રજાપતિ: પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિના પુત્ર.

  • હિરેન સુખડિયા: પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર.

  • અર્ચના પટેલ: RSSના પૂર્વ સંઘ ચાલક નારાયણ શાહની પુત્રી.

  • પવન હેમનાની: પૂર્વ કોર્પોરેટર પરસોત્તમ હેમનાનીના પુત્ર.

  • કૃણાલ પટેલ: પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલના પુત્ર.

  • દક્ષિતા રાય: પૂર્વ કોર્પોરેટર કંચન રાયના પુત્રવધૂ.

  • શ્રીરંગ આયરે: પૂર્વ કોર્પોરેટર અને પ્રભાવી નેતા રાજેશ આયરેના પુત્ર.

  • નિધી પટેલ: પૂર્વ કોર્પોરેટર જ્યોતિબેન પટેલની પુત્રી.

કાર્યકરોમાં છૂપો રોષ

એક તરફ ભાજપ હાઇકમાન્ડ 'નો રિપીટ થિયરી' અને 'પરિવારવાદ મુક્તિ'ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વડોદરામાં એક જ પરિવારમાં સત્તા જાળવી રાખવાના પ્રયાસોથી નિષ્ઠાવાન કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. અનેક વર્ષોથી પાયાનું કામ કરતા કાર્યકરોને અવગણીને નેતાઓના સંતાનોને 'ગિફ્ટ'માં મળેલી ટિકિટ આગામી સમયમાં કેવું પરિણામ લાવશે તે જોવું રહ્યું.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ભાજપે આ વખતે જીતવા માટે સક્ષમ ઉમેદવારોના બહાને પરિવારવાદને પ્રાધાન્ય આપ્યું છે. જોકે, આ નિર્ણયથી પક્ષમાં આંતરિક ખેંચતાણ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શું આ 'વંશવેલો' ભાજપને વિજય અપાવશે કે પછી બળવાની સ્થિતિ ઉભી કરશે? તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now