Home Gujarat Ahmedabad Ahmedabad Congress Releases Last Minute List Of 132 Candidates Due To Lobbying By Senior Leaders

અમદાવાદ કોંગ્રેસનું 'સસ્પેન્સ' ખતમ : છેલ્લી ઘડીએ 132 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોનું પત્તું કપાયું?

AMC Election 2026 Ahmedabad Congress Candidate List
Published by: Nirali Gohil
Last Updated: Apr 11, 2026, 03:38 AM IST

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. લાંબી ખેંચતાણ અને સિનિયર નેતાઓના ભારે લોબિંગ બાદ આખરે કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માટે તેના ઉમેદવારોનું લિસ્ટ મોડી રાત્રે જાહેર કર્યું છે. ટિકિટ વહેંચણીમાં આંતરિક વિખવાદ એટલી હદે વકર્યો હતો કે, છેલ્લી ઘડી સુધી નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. જે ઉમેદવારોના નામ પર સહમતી ન સધાઈ તેમને છેલ્લી ઘડીએ સીધા જ મેન્ડેટ આપીને ફોર્મ ભરવા રવાના કરી દેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

132 ઉમેદવારોની જાહેરાત: આંતરિક વિખવાદ અને લોબિંગની અસર

કોંગ્રેસે અમદાવાદ માટે કુલ 132 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જોકે, આ યાદીમાં સિનિયર નેતાઓના અંગત હિતો અને જૂથવાદની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. બહેરામપુરા, મકતમપુરા, ગોમતીપુર અને દાણીલીમડા જેવા સંવેદનશીલ વોર્ડમાં ઉમેદવારો નક્કી કરવામાં હાઈકમાન્ડને નાકે દમ આવી ગયો હતો. આ વોર્ડમાં ભારે વિવાદને કારણે મોડી રાત સુધી કોઈ જાહેરાત થઈ શકી નહોતી, અંતે ઉમેદવારોને સીધી સૂચના આપી ફોર્મ ભરવાની તૈયારી કરવા જણાવાયું હતું.

કોને મળી ફરી તક અને કોનું પત્તું કપાયું?

કોંગ્રેસે આ વખતે 'રિપીટ અને ડિલીટ'ની મિશ્ર નીતિ અપનાવી છે.

  • રિપીટ ઉમેદવાર: કુબેરનગર વોર્ડમાં કામિનીબેન ઝા અને નિકુલ તોમર પર પક્ષે ફરી વિશ્વાસ જતાવ્યો છે. તો શાહપુરના કોર્પોરેટર અકબર ભટ્ટીને પણ પક્ષે ફરી મેદાનમાં ઉતાર્યા છે.

  • પત્તું કપાયું: સૌથી મોટો ફેરફાર વટવા વોર્ડમાં જોવા મળ્યો છે, જ્યાં સોએબઅલી સાબિરઅલી રાજપૂતની ટિકિટ કાપી નાખવામાં આવી છે.

  • રસપ્રદ વળાંક: ચાંદલોડિયા વોર્ડમાં ટેકનિકલ કારણોસર ફેરફાર થયો છે. ચંદ્રકાંત ગજ્જરનું નામ મતદાર યાદીમાં ન હોવાને કારણે પક્ષે તેમના પુત્ર પૂરવ ગજ્જરને ટિકિટ આપી છે.

આ પણ વાંચો: મહાયુદ્ધનો આવશે અંત? : અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં ઐતિહાસિક મંત્રણા, બેઠક પહેલા ઈરાને મૂકી આ મોટી શરત

આ વોર્ડમાં ત્રિપાંખિયો જંગ અને આંતરિક સ્પર્ધા

સરદાર પટેલ સ્ટેડિયમ, કુબેરનગર, અસારવા, મણિનગર અને લાંભા જેવા વોર્ડમાં કોંગ્રેસે ત્રણ-ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેના કારણે કાર્યકરોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે. આ ઉપરાંત ગોતા, નરોડા, ઓઢવ અને નવરંગપુરા જેવા વિસ્તારોમાં જૂના ચહેરાઓને બદલીને નવા ઉમેદવારોને તક આપી એન્ટી-ઈન્કમ્બન્સી રોકવાનો પ્રયાસ કર્યો છે.

ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ

આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી અમદાવાદમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. શહેરના 16 અલગ-અલગ સ્થળોએ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • સમય: સવારે 9:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી.

  • વ્યવસ્થા: ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની લીગલ ટીમોને એક્ટિવ કરી છે જેથી ફોર્મમાં કોઈ ભૂલ ન રહે.

હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનું આ 'લેટ લિસ્ટ' ચૂંટણીમાં કેટલું અસરકારક સાબિત થાય છે અને નારાજ કાર્યકરોને પક્ષ કેવી રીતે મનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now