Home International Us Iran Diplomatic Meeting In Islamabad Strait Of Hormuz Sharp Drop In Crude Oil Prices

મહાયુદ્ધનો આવશે અંત? : અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં ઐતિહાસિક મંત્રણા, બેઠક પહેલા ઈરાને મૂકી આ મોટી શરત

US Iran Talks Islamabad Meeting
Published by: Nirali Gohil
Last Updated: Apr 11, 2026, 03:20 AM IST

Islamabad Meeting: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે વિશ્વભરની નજર અત્યારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ મંત્રણા માટે ઈરાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન પહોંચી ગયું છે. આ મંત્રણામાં ભાગ લેવા માટે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ આજે ઈસ્લામાબાદ પહોંચવાના છે. વર્ષોના સંઘર્ષ અને તાજેતરના યુદ્ધ બાદ બંને દેશો વચ્ચે સામસામે બેસીને થઈ રહેલી આ મંત્રણાને વૈશ્વિક શાંતિ અને ઓઈલ માર્કેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફ કરી રહ્યા છે, જેમાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સહિત અનેક શક્તિશાળી નેતાઓ સામેલ છે. જોકે, મંત્રણા શરૂ થાય તે પહેલા જ ઈરાને કડક શરત મુકી છે કે જ્યાં સુધી લેબનોનમાં સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ નહીં થાય અને અમેરિકા દ્વારા ફ્રીઝ કરવામાં આવેલી ઈરાની સંપત્તિ મુક્ત નહીં કરવામાં આવે, ત્યાં સુધી સત્તાવાર ચર્ચા આગળ વધશે નહીં.

અમેરિકા અને ઈરાન વચ્ચેના મુખ્ય વિવાદિત મુદ્દાઓ

આ બેઠક દરમિયાન બંને દેશો નીચેના ચાર મુખ્ય મુદ્દાઓ પર સમાધાન શોધવાનો પ્રયત્ન કરશે:

  1. પરમાણુ કાર્યક્રમ: અમેરિકા ઈચ્છે છે કે ઈરાન યુરેનિયમ સંવર્ધન સંપૂર્ણપણે બંધ કરે અને તેની પરમાણુ સુવિધાઓ મર્યાદિત કરે.

  2. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: આ માર્ગ વિશ્વના તેલ વેપાર માટે જીવનરેખા સમાન છે. ઈરાન અહીં પોતાનું વર્ચસ્વ જાળવી ટોલ ટેક્સ ઈચ્છે છે, જ્યારે અમેરિકા આ માર્ગને સંપૂર્ણ ફ્રી અને સુરક્ષિત રાખવા માંગે છે.

  3. મિસાઇલ કાર્યક્રમ: અમેરિકા ઈરાનની લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલોના પરીક્ષણ અને ઉત્પાદન પર કાયમી પ્રતિબંધની માંગ કરી રહ્યું છે.

  4. પ્રતિબંધોમાંથી મુક્તિ: ઈરાનની મુખ્ય માંગ છે કે તેના પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે અને યુદ્ધ દરમિયાન થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે.

આ પણ વાંચો: Petrol-Diesel સસ્તું થયું? : આ શહેરમાં રૂ.78માં ડીઝલ અને રૂ.82માં વેચાઈ રહ્યું છે પેટ્રોલ, જાણો તમારા શહેરના આજના લેટેસ્ટ રેટ

ટ્રમ્પ સીઝફાયરની જાહેરાત કરવાના હતા, પણ સલાહકારોએ રોક્યા

વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે થયેલા પ્રારંભિક સીઝફાયર કરારની જાહેરાત રાષ્ટ્રીય ટેલિવિઝન પર કરવાના હતા. જોકે, અંતિમ સમયે તેમના સલાહકારોએ તેમને અટકાવ્યા હતા. સલાહકારોનું માનવું છે કે આ સમજૂતી હજુ કાચી છે અને જો તે નિષ્ફળ જાય તો સરકારની છબી ખરડાઈ શકે છે. તેથી, આ જાહેરાતને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

ઈરાન પાસે હજુ પણ છે મિસાઇલોનો મોટો જથ્થો

એક રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા છતાં ઈરાનની સૈન્ય શક્તિ સંપૂર્ણ નાશ પામી નથી. અંદાજ મુજબ યુદ્ધ પહેલા ઈરાન પાસે 2,500 મધ્યમ અંતરની મિસાઈલો હતી, જેમાંથી 1,000 થી વધુ મિસાઈલો હજુ પણ સજ્જ સ્થિતિમાં છે. જોકે, ઈરાનના અડધાથી વધુ લોન્ચર્સ નાશ પામ્યા છે અથવા ભૂગર્ભમાં છુપાવી દેવામાં આવ્યા છે.

ઓઈલ માર્કેટમાં મોટી રાહત: કિંમતોમાં 13%નો ઘટાડો

મંત્રણાના સમાચાર આવતાની સાથે જ આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

  • યુએસ ક્રૂડ: 13.4% ઘટીને 96.57 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું.

  • બ્રેન્ટ ક્રૂડ: 12.7% નો ઘટાડો નોંધાયો. યુદ્ધની શરૂઆતમાં ભાવ 111 ડોલર પર પહોંચી ગયા હતા, જે હવે મંત્રણાની આશાએ નીચે આવી રહ્યા છે, જે ભારત જેવા દેશો માટે રાહતના સમાચાર છે.

ઈઝરાયેલ-લેબનોન વચ્ચે મંગળવારે શાંતિ વાટાઘાટો

બીજી તરફ, ઈઝરાયેલ પણ લેબનોન સાથે વોશિંગ્ટનમાં શાંતિ મંત્રણા માટે તૈયાર થયું છે. જોકે, ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર લેબનોન સરકાર સાથે વાત કરશે, હિઝબુલ્લાહ સાથે કોઈ પણ પ્રકારનો સીઝફાયર કરવામાં આવશે નહીં. આ મંત્રણા આવતા મંગળવારથી શરૂ થવાની શક્યતા છે.

ઈરાનથી 71 સભ્યોનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું
અમેરિકા સાથેની પ્રસ્તાવિત વાટાઘાટો પહેલા ઈરાનનું પ્રતિનિધિમંડળ શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન પહોંચ્યું હતું. ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમના જણાવ્યા અનુસાર, આ પ્રતિનિધિમંડળ 71 લોકોનું છે. આ ટીમમાં માત્ર વાતચીત કરનારા લોકો જ નહીં, પરંતુ નિષ્ણાત સલાહકારો, મીડિયા પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ પણ સામેલ છે. આ વાટાઘાટ ટીમનું નેતૃત્વ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબાફ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now