Petrol-Diesel Price Today: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ વચ્ચે આજે શનિવારે ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. રાહતની વાત એ છે કે આજે કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, આ દરમિયાન એક એવું શહેર પણ છે જ્યાં દેશમાં સૌથી સસ્તું ઈંધણ મળી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક ખાનગી કંપનીઓએ ભાવ વધારીને સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
કયા શહેરમાં મળી રહ્યું છે સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ?
ભારતના વિવિધ શહેરોમાં ટેક્સના દર અલગ હોવાને કારણે ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. આજે પણ અંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેયરમાં દેશનું સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. અહીં પેટ્રોલની કિંમત 82.46 રૂપિયા અને ડીઝલની કિંમત માત્ર 78.05 રૂપિયા પ્રતિ લીટર છે.
મુખ્ય શહેરોમાં આજના ભાવ (પ્રતિ લીટર):
શહેર | પેટ્રોલ (₹/લીટર) | ડીઝલ (₹/લીટર) |
અમદાવાદ (Ahmedabad) | 94.49 | 90.17 |
સુરત (Surat) | 94.71 | 90.40 |
રાજકોટ (Rajkot) | 94.35 | 90.04 |
પોર્ટ બ્લેયર (સૌથી સસ્તું) | 82.46 | 78.05 |
નવી દિલ્હી | 94.77 | 87.67 |
મુંબઈ | 103.54 | 90.03 |
કોલકાતા | 105.41 | 92.02 |
બેંગલુરુ | 102.92 | 90.99 |
ચેન્નાઈ | 100.90 | 92.49 |
પટના | 105.23 | 91.49 |
જયપુર | 104.86 | 90.34 |
તિરુઅનંતપુરમ | 107.48 | 96.48 |
રિલાયન્સ અને BP પંપ પર લાદવામાં આવી મર્યાદા
તાજેતરના અહેવાલો મુજબ, રિલાયન્સ અને BP (Jio-bp) પેટ્રોલ પંપો પર વેચાણને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે ગ્રાહકો એક સમયે માત્ર 1,000 રૂપિયા સુધીનું જ પેટ્રોલ કે ડીઝલ ખરીદી શકશે. યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે સપ્લાયમાં આવતી અડચણોને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. જોકે, સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી આવી કોઈ મર્યાદા જાહેર કરી નથી.
આ પણ વાંચો:ઓટો અને બેંકિંગ શેરોમાં જોરદાર તેજી : સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ફરી 24,000ને પાર
ક્રૂડ ઓઈલની સ્થિતિ: 100 ડોલરની નીચે ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાતચીતની સકારાત્મક અસર ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી છે. શુક્રવારે કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થયા પહેલા ક્રૂડ ઓઈલ 70 ડોલરની આસપાસ ટ્રેડ થતું હતું. તેમ છતાં ભારતમાં સરકારી કંપનીઓએ ભાવમાં હજુ મોટો ઘટાડો કર્યો નથી.
Shell અને Nayara એ વધાર્યા ભાવ
જ્યાં સરકારી કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યા છે, ત્યાં ખાનગી કંપનીઓએ ભાવ વધારો ઝીંક્યો છે. Shell India એ ગત સપ્તાહે પેટ્રોલમાં 25.01 રૂપિયા અને ડીઝલમાં 7.41 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો હતો. તે પહેલાં નાયરા એનર્જીએ પણ પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો
સામાન્ય જનતા અને તેલ કંપનીઓને મોટી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 10-10 રૂપિયાની કપાત કરી હતી, જેના કારણે ડીઝલ પરની ડ્યૂટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી.
(નોંધ: તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા માટે તમે તેલ કંપનીઓની સત્તાવાર એપ અથવા SMS દ્વારા માહિતી મેળવી શકો છો.)





