Afghanistan drone attack: અફઘાનિસ્તાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને બલૂચિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. અફઘાન વાયુસેનાનો દાવો છે કે આ ઠેકાણાઓનો ઉપયોગ તેમની વિરુદ્ધ હુમલાઓનું કાવતરું ઘડવા માટે થઈ રહ્યો હતો. પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા હુમલાઓનો અફઘાનિસ્તાને આ જડબાતોડ જવાબ આપ્યો છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી સતત ઉશ્કેરણીજનક કાર્યવાહીનો અફઘાનિસ્તાને અત્યંત આકરો અને મોટો જવાબ આપ્યો છે. અફઘાનિસ્તાનની વાયુસેનાએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઘૂસીને કેટલાય આતંકી ઠેકાણાઓ પર ધડાધડ ડ્રોન હુમલા કર્યા છે. આ અણધાર્યા હુમલાથી પાકિસ્તાનના સુરક્ષા વિભાગ અને ત્યાં સક્રિય આતંકી સંગઠનોમાં ભારે ફફડાટ મચી ગયો છે.
ISISના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અફઘાનિસ્તાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના ડ્રોન્સે બલૂચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા ડિસ્ટ્રિક્ટ હેઠળ આવતા ગુલિસ્તાન વિસ્તારને પોતાનું મુખ્ય નિશાન બનાવ્યો હતો. અફઘાન સેનાનો દાવો છે કે અહીં ક્રૂર આતંકી સંગઠન ISISના કેટલાય ઠેકાણાઓ સક્રિય હતા. આ ઠેકાણાઓનો ઉપયોગ કેટલાક દુશ્મન ઇન્ટેલિજન્સ ગ્રુપોની (પ્રોત્સાહન) પર અફઘાનિસ્તાન વિરુદ્ધ મોટા અને જીવલેણ હુમલાઓનું પ્લાનિંગ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. અફઘાનિસ્તાને સ્પષ્ટ કર્યું છે કે આ સ્થળો તેમના દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે ઓપરેશનલ બેઝ તરીકે કામ કરી રહ્યા હતા, જેને નષ્ટ કરવા અત્યંત જરૂરી હતા.
બદલો લેવાની આપી હતી ચેતવણી
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની સેના સતત અફઘાનિસ્તાનની સરહદ પર તોપમારો અને હુમલા કરી રહી હતી. આ પછી અફઘાનિસ્તાને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે તે પાકિસ્તાનની આ કરતૂતનો બદલો ચોક્કસ લેશે. શુક્રવારે થયેલા આ મોટા ડ્રોન હુમલાને તે જ જવાબી કાર્યવાહી અને બદલાના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. આ હવાઈ હુમલા બાદ બંને પડોશી દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને સરહદ પર ભારે તણાવ જોવા મળી રહ્યો છે.





