Palash Muchhal health Deteriorate: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના તથા સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલના 23 નવેમ્બરે નક્કી થયેલા લગ્ન અચાનક મુલતવી રાખવા પડ્યા છે. લગ્ન પહેલાં જ પરિવાર પર સતત આફતો આવી છે – પહેલાં સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને નાનો હાર્ટ એટેક આવ્યો, અને હવે પલાશ મુચ્છલની તબિયત પણ લથડી ગઈ છે.
પલાશ મુચ્છલને પણ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા
22 નવેમ્બરે સંગીત સમારંભ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને અચાનક છાતીમાં દુખાવો થયો. તુરત જ એમ્બ્યુલન્સ બોલાવીને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોએ તેને માઇલ્ડ હાર્ટ એટેક ગણાવ્યો છે અને હાલ તેઓ દેખરેખ હેઠળ છે. તબિયત સ્થિર રહે તો થોડા દિવસમાં ડિસ્ચાર્જ મળી શકે છે. તેના થોડા કલાકોમાં જ પલાશ મુચ્છલને પણ વાયરલ ઈન્ફેક્શન અને એસિડિટીની તીવ્ર તકલીફ થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા.
તેમની હાલત ગંભીર નહોતી અને સારવાર બાદ તેમને હોટેલમાં પરત મોકલી દેવામાં આવ્યા છે.
લગ્નની તારીખ હાલ મુલતવી
21 અને 22 નવેમ્બરે હલ્દી, મહેંદી અને સંગીતના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હર્મનપ્રીત કૌર સહિત ઘણી ક્રિકેટર્સ અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. બધું ધામધૂમથી ચાલી રહ્યું હતું, પરંતુ પરિવારની સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે લગ્નની તારીખ હાલ મુલતવી રાખવામાં આવી છે. સ્મૃતિ અને પલાશના ચાહકો તથા ક્રિકેટ જગત તરફથી બંને પરિવારો માટે ઝડપી સ્વસ્થતાની શુભેચ્છાઓ વરસી રહી છે. નવી લગ્ન તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.



















