Dharmendra's last film: બોલિવુડના ‘હી-મેન’ તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. લાંબી માંદગી બાદ તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના નિધનથી હિન્દી ફિલ્મ ઉદ્યોગનો એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આ દુઃખદ સમાચાર વચ્ચે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘Ikkis’ (ટ્વેન્ટી-વન)નું નવું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટર તેમના મૃત્યુના માત્ર થોડા કલાક પહેલાં જ મેડોક ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું.
21 વર્ષના અમર સૈનિકના પિતા
પોસ્ટરમાં ધર્મેન્દ્ર ગંભીર અને શક્તિશાળી લુકમાં દેખાઈ રહ્યા છે, જેની સાથે કેપ્શન છે:“પિતા પુત્રોનો ઉછેર કરે છે... મહાન પુરુષો રાષ્ટ્રનો ઉછેર કરે છે. ધર્મેન્દ્રજી 21 વર્ષના અમર સૈનિકના પિતા તરીકે ભાવનાત્મક શક્તિસ્થાન છે. એક શાશ્વત દંતકથા આપણને બીજી દંતકથાની વાર્તા કહે છે.”આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પરમ વીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની સાચી કહાની પર આધારિત છે. ધર્મેન્દ્ર અરુણના પિતા બ્રિગેડિયર એમ.એલ. ખેતરપાલની મહત્વની ભૂમિકામાં છે, જ્યારે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અરુણ ખેતરપાલના રોલમાં બોલિવુડમાં મોટા પડદે ડેબ્યૂ કરી રહ્યા છે.
25 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ
અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા પણ આ ફિલ્મ દ્વારા બોલિવુડમાં પ્રવેશ કરી રહી છે. શ્રીરામ રાઘવન દિગ્દર્શિત આ ફિલ્મનું ટ્રેલર ગયા મહિને 29 ઓક્ટોબરે રિલીઝ થયું હતું અને હવે ફિલ્મ 25 ડિસેમ્બર, 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ધર્મેન્દ્રના ચાહકો માટે આ ફિલ્મ તેમની અંતિમ અને યાદગાર ભેટ બની રહેશે.



















