Actress Ashlesha Sawant marries: લોકપ્રિય ટીવી સિરિયલ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી”ના સેટ પર 2002માં મળેલા અભિનેત્રી આશ્લેષા સાવંત અને અભિનેતા-લેખક સંદીપ બસવાનાએ આખરે 23 વર્ષ લાંબા લિવ-ઇન રિલેશનશિપ પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ દંપતીએ કોઈ મોટી ધામધૂમ વિના, પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક સાદા પણ સુંદર સમારોહમાં લગ્ન કર્યા. લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતાં જ તે વાયરલ થઈ ગયા છે. બંનેએ મેચિંગ પેસ્ટલ પિંક આઉટફિટ પહેર્યા હતા – આશ્લેષાએ ભરતકામવાળી બ્લશ પિંક સાડી અને સંદીપે પેસ્ટલ શેરવાની સાથે મેચિંગ પાઘડી પહેરી હતી.
શ્રી અને શ્રીમતી તરીકે એક નવા અધ્યાયમાં પ્રવેશ
ઇન્સ્ટાગ્રામ પર બંનેએ સંયુક્ત પોસ્ટ શેર કરીને કેપ્શન આપ્યું:
“અને તે જ રીતે, અમે શ્રી અને શ્રીમતી તરીકે એક નવા અધ્યાયમાં પ્રવેશ કર્યો... પરંપરાએ અમારા હૃદયમાં સ્થાન મેળવ્યું. અમે બધા આશીર્વાદ માટે આભારી છીએ.”પોસ્ટ આવતાં જ ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સે અભિનંદનનો વરસાદ કર્યો. કિશ્વર મર્ચન્ટ, એબીગેઇલ પાંડે, પુલકિત સમ્રાટ, દિશા પરમાર, શ્રીતિ ઝા, નકુલ મહેતા, પૂજા બેનર્જી, સુધાંશુ પાંડે, માહી વિજ સહિત અનેક સેલેબ્સે નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી.

ચાહકો આ દંપતીને અભિનંદન પાઠવ્યા
આશ્લેષા અને સંદીપની લવ સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે. એપ્રિલ 2024માં બોમ્બે ટાઇમ્સને આપેલી મુલાકાતમાં સંદીપે જણાવ્યું હતું કે, “આશ્લેષાનું ઘર સેટથી ઘણું દૂર હોવાથી તે કેટલીક રાતો મારે ઘરે રોકાતી. એ કેટલીક રાતો મહિનાઓમાં બદલાઈ ગઈ અને પછી અમને ખ્યાલ આવ્યો કે અમે એકબીજા સાથે ખુશ છીએ.” 23 વર્ષની આ સફર પછી પરંપરાગત લગ્ન સાથે પૂર્ણ થઈ છે અને ચાહકો આ દંપતીને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આશ્લેષા સાવંત અને સંદીપ બસવાનાને લગ્નજીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ!



















