Shraddha Kapoor: ‘સ્ત્રી 2’ની બ્લૉકબસ્ટર સફળતા બાદ શ્રદ્ધા કપૂર પોતાની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘Itha’ (ઈથા)માં વ્યસ્ત છે. આ ફિલ્મ મહારાષ્ટ્રની પ્રખ્યાત લાવણી સમ્રાજ્ઞી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ નારાયણગાંવકરની બાયોપિક છે, જેમાં શ્રદ્ધા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ગયા અઠવાડિયે નાસિક નજીક ઔરંગાબાદી ગામમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન એક દુઃખદ અકસ્માત થયો. લાવણીના જોરદાર ડાન્સ સીક્વન્સના શૂટિંગ વખતે શ્રદ્ધાએ ભારે વજનની સાડી, નથ, ઘરેણાં તેમજ રોલ માટે વધારેલા શારીરિક વજન સાથે એક પગ પર સંપૂર્ણ બૅલેન્સ મૂક્યો. આ દરમિયાન તેનું સંતુલન બગડ્યું અને ડાબા પગનો અંગૂઠો ગંભીર રીતે ઘવાયો.
દુખાવો અસહ્ય થતાં શૂટિંગ બંધ
દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે તુરંત શૂટિંગ બંધ કરી દીધું. શ્રદ્ધાએ સમય બગાડવો નહીં એમ વિચારીને મુંબઈમાં ગતિહીન (non-action) દૃશ્યો શૂટ કરવાની તૈયારી દર્શાવી હતી. મુંબઈના મડ આઇલેન્ડમાં ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યો અને શૂટિંગ ફરી શરૂ પણ થયું, પરંતુ દુખાવો અસહ્ય થતાં ફરી બંધ કરવું પડ્યું. હાલ ડૉક્ટરોએ શ્રદ્ધાને સંપૂર્ણ આરામની સલાહ આપી છે અને આગામી બે અઠવાડિયા સુધી ‘ઈથા’નું શૂટિંગ સ્થગિત રહેશે.આ ફિલ્મમાં શ્રદ્ધા સાથે રણદીપ હુડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ દિનેશ વિજનના મેડૉક ફિલ્મ્સ બેનર હેઠળ થઈ રહ્યું છે. ચાહકો શ્રદ્ધા કપૂરના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.


















