બોલિવૂડના સ્ટાર કિડ્સનો ખાસ મિત્ર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરહાન અવત્રામણિ ઉર્ફે ‘ઓરી’ હવે મોટી મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC)એ ઓરીને ₹252 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરીના કેસમાં સમન્સ પાઠવ્યા છે. પોલીસે ઓરીને આગામી ગુરુવારે (21 નવેમ્બર) સવારે 10 વાગ્યે ઘાટકોપરની ANC ઓફિસમાં હાજર થઈ પૂછપરછ માટે બોલાવ્યો છે. હાલ તો ઓરીનું નામ આ કેસમાં સાક્ષી તરીકે સામે આવ્યું છે, પરંતુ પૂછપરછ બાદ જ સ્પષ્ટ થશે કે તે આરોપી છે કે નહીં.
ઓરી કોણ છે?
ઓરી એટલે ઓરહાન અવત્રામણિ – ઇન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતો ઇન્ફ્લુએન્સર, જે આર્યન ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન, ન્યાસા દેવગણ, સુહાના ખાન જેવા સ્ટાર કિડ્સ સાથે ખૂબ નજીકનો મિત્ર છે. તાજેતરમાં જ તે આર્યન ખાનની વેબ સિરીઝ ‘બેડીઝ ઓફ બોલિવૂડ’માં પણ જોવા મળ્યો હતો. પોતાને ગાયક, ગીતકાર, ફેશન ડિઝાઇનર, સ્ટાઇલિસ્ટ અને ‘ક્યારેક ફૂટબોલર’ પણ કહેનાર ઓરી હંમેશા પાર્ટીઓ અને ગ્લેમરની દુનિયામાં છવાયેલો રહે છે.
વૈષ્ણો દેવીમાં દારૂ પીવાનો વિવાદ
આ વર્ષે માર્ચમાં ઓરી વૈષ્ણો દેવી યાત્રા દરમિયાન મિત્રો સાથે હોટલમાં દારૂ પીતો પકડાયો હતો. કટરા અને વૈષ્ણો દેવી વિસ્તારમાં દારૂ પીવો સજાપાત્ર ગુનો છે. જમ્મુ પોલીસે ઓરી સહિત 7થી વધુ લોકો સામે FIR નોંધી હતી.હવે ₹252 કરોડના ડ્રગ્સ કેસમાં નામ સામે આવતા ઓરીની મુશ્કેલી વધી ગઈ છે. પોલીસની પૂછપરછ બાદ જ ખબર પડશે કે આ કેસમાં તેની ભૂમિકા શું છે. બોલિવૂડના ગ્લેમરની દુનિયામાંથી સીધો ડ્રગ્સ કેસ સુધી… ઓરીની આ સફર ક્યાં પૂરી થશે એ તો તપાસ જ બતાવશે.



















