બોલિવૂડના આઇકોનિક કપૂર પરિવારની દસ્તાવેજી ફિલ્મ 'Dining With The Kapoors' નું ટ્રેલર રિલીઝ થતાં જ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. રાજ કપૂરની 100મી જન્મજયંતિના અવસર પર આ ફિલ્મમાં કપૂર ફેમિલીના સભ્યો પરિવારના ખાવા-પીવા અને યાદગાર ક્ષણોને શેર કરતા જોવા મળે છે. ટ્રેલરમાં રણબીર કપૂર અને કરીના કપૂર ખાનના મસ્તીભર્યા અને પ્રેમાળ અંદાજે દર્શકોનું દિલ જીતી લીધું છે, પરંતુ આલિયા ભટ્ટની ગેરહાજરીએ ચાહકોને આશ્ચર્યમાં મૂક્યા છે.
રણબીરની મજા અને કરીનાનું રહસ્ય
ટ્રેલરની શરૂઆત કપૂર પરિવારના ભેગા થવાથી થાય છે, જ્યાં દરેક સભ્ય ખાવા-પીવાના પ્રેમની વાત કરે છે. રણબીર કપૂર તેના પિતરાઈ ભાઈ સાથે રસોઈ બનાવતો અને કૌટુંબિક ક્ષણો શેર કરતો દેખાય છે. તેની મજાકિયા સ્ટાઇલથી ટ્રેલરમાં રંગ જામ્યો છે. બીજી તરફ, કરીના કપૂરના પિતરાઈ ભાઈએ ખુલાસો કર્યો કે તેને ગપસપનો ખૂબ શોખ છે, જે તેના રહસ્યમય વ્યક્તિત્વને વધુ રસપ્રદ બનાવે છે.
સૈફ તો છે, પણ આલિયા ક્યાં?
ટ્રેલરમાં કરીના કપૂર સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ જોવા મળે છે, જે કપૂર પરિવારના જમાઈ તરીકે પરિવારનો હિસ્સો છે. પરંતુ રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટની ગેરહાજરીએ ચાહકોને નારાજ કર્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે પ્રશ્નો ઉઠાવ્યા છે. "આલિયા ક્યાં છે?" કેટલાકે તો આને લઈને પરિવારમાં અંતરની અફવાઓ પણ ફેલાવી છે.

ક્યારે અને ક્યાં જોવા મળશે ફિલ્મ?
આ દસ્તાવેજી ફિલ્મમાં કપૂર પરિવાર રાજ કપૂર સાથે જોડાયેલી અનેક યાદો શેર કરશે. 'Dining With The Kapoors' 21 નવેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. કપૂર ફેમિલીના ફૂડી અંદાજ અને પરિવારિક બોન્ડિંગની આ મસાલેદાર કહાની ચાહકો માટે ખાસ ગિફ્ટ સાબિત થશે!


















