આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી ઐતિહાસિક બની રહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ તથા બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનએ આ પવિત્ર કાર્યક્રમમાં હાજરી આપીને લાખો ભક્તોના હૃદય જીતી લીધા.
માનવતાની સેવા એ જ ભગવાનની સેવા
કાર્યક્રમમાં બોલતાં ઐશ્વર્યા રાયે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, “આ ખાસ પ્રસંગે અમારી સાથે રહેવા બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભારી છું. મોદીજીની હાજરી આપણને સ્વામીજીના ઉપદેશોની સતત યાદ અપાવે છે કે ‘માનવતાની સેવા એ જ ભગવાનની સેવા છે.’”તેમણે વધુમાં સત્ય સાંઈ બાબાના પાંચ મહત્વના મૂલ્યો – શિસ્ત, સમર્પણ, ભક્તિ, નિશ્ચય અને શાણપણ – ને યાદ કર્યા અને જણાવ્યું કે આ મૂલ્યોના આધારે જ આધ્યાત્મિક તથા અર્થપૂર્ણ જીવન જીવી શકાય છે.
ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ
ઐશ્વર્યાએ સ્વામીજીના માર્ગે ચાલવાનો અને તેમના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો. આ શતાબ્દી મહોત્સવમાં દેશભરમાંથી આવેલા લાખો ભક્તોની હાજરીએ પુટ્ટપર્થીને ભક્તિ અને એકતાના રંગે રંગી દીધું હતું.


















