Smriti Mandhana engagement: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાઇલિશ ઓપનર અને વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શુક્રવારે એક આનંદદાયક અને મજેદાર રીતે પોતાની સગાઈની જાહેરાત કરી દીધી. તેણે પ્રખ્યાત સંગીતકાર પલાશ મુછલ સાથે સગાઈ કરી છે અને આ ખુશખબર તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વાયરલ ડાન્સ રીલ દ્વારા આપી.
બધી અફવાઓ પર પૂર્ણવિરામ
વીડિયોમાં સ્મૃતિ તેની સાથી ખેલાડીઓ જેમીમાહ રોડ્રિગ્સ, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી સાથે બોલિવૂડના ક્લાસિક ગીત “સમજો હો હી ગયા” (લગે રહો મુન્ના ભાઈ) પર શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોના અંતમાં સ્મૃતિએ કેમેરા તરફ હાથ લંબાવીને તેની ચમકતી સગાઈની વીંટી બતાવી અને બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું. આ વીડિયો કલાકોમાં જ લાખો વખત જોવાઈ ગયો અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ પહેલાં પણ સંકેતો મળી ચૂક્યા હતા, ગત ઓક્ટોબરમાં ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન પલાશ મુછલે મજાકમાં કહ્યું હતું કે, “સ્મૃતિ ટૂંક સમયમાં ઇન્દોરની પુત્રવધૂ બનવાની છે.” તે સમયે આ વાતને મજાક તરીકે લેવામાં આવી હતી, પણ હવે તે સત્ય સાબિત થઈ છે.
કોણ છે સ્મૃતિના ભાવિ પતિ પલાશ મુછલ?
22 મે 1995ના રોજ ઇન્દોરમાં જન્મેલા પલાશ મુછલ પ્રખ્યાત પ્લેબેક ગાયિકા પલક મુછલના નાના ભાઈ છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલા પલાશે ખૂબ જ નાની ઉંમરે સંગીત સંયોજન શરૂ કરી દીધું હતું. મુછલ ભાઈ-બહેન બંને તેમના ચેરિટી કાર્ય માટે પણ જાણીતા છે; તેઓ ગરીબ બાળકોની હૃદયની સર્જરી માટે નિયમિત ફંડ એકત્ર કરે છે.
મેદાન પર પણ ચમકી રહી છે સ્મૃતિ
આ વ્યક્તિગત ખુશીની સાથે જ મંધાનાનું બેટ પણ જોરદાર બોલી રહ્યું છે. તાજેતરની ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં તેણે 9 ઇનિંગ્સમાં 54.22ની એવરેજથી 434 રન ફટકાર્યા હતા, જેમાં એક મેચ વિજેતા સદીનો પણ સમાવેશ થાય છે. સ્મૃતિ મંધાના અને પલાશ મુછલને તેમના નવા જીવનપ્રવાસ માટે દેશભરમાંથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે!


















