રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાના સ્તરમાં ગંભીર ઘટાડો નોંધાતા, દિલ્હી સરકારે સખત પગલાં લીધા છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા જારી કરાયેલા દિશાનિર્દેશોને અનુસરીને, રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ખાનગી કાર્યાલયો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ એડવાઇઝરી હેઠળ, તમામ ખાનગી સંસ્થાઓને તેમના કુલ કર્મચારીઓમાંથી 50 ટકા સ્ટાફને ઓફિસ સ્થળેથી ફરજ બજાવવા દેવા અને બાકીના 50 ટકા કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' (WFH) વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ છે.
ગ્રૅપ 3 અમલમાં, પરિસ્થિતિ સંતુલિત કરવા પ્રયાસ
આ નિર્ણય વાયુ પ્રદૂષણની પ્રવર્તમાન સ્થિતિને કાબૂમાં લેવા માટે લેવાયેલું એક સાવચેતીભર્યું પગલું છે. હાલમાં દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ત્રીજો તબક્કો સક્રિય છે. સત્તાવાળાઓ દ્વારા પરિસ્થિતિને સંતુલિત રાખવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
સરકારની જમીની સ્તરે કામગીરી અને કડક પગલાં
દિલ્હી સરકારે પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવા માટે બહુવિધ એજન્સીઓ સાથે સંકલન સાધીને ગ્રાઉન્ડ લેવલ પર કાર્યવાહી ઝડપી બનાવી છે. 2,000 થી વધુ અમલીકરણ અધિકારીઓ દિવસરાત મોનિટરિંગ કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં 1,200 થી વધુ બાંધકામ સ્થળો (construction sites) અને પ્રદૂષિત ઉદ્યોગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર 200થી વધુ એકમોને કારણદર્શક નોટિસ (show cause notices) ફટકારવામાં આવી છે, અને 50 જેટલા સ્થળોને તાત્કાલિક ધોરણે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
મંત્રીનું નિવેદન અને સંવેદનશીલ જૂથોની ચિંતા
પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે GRAP 3 દરમિયાન દિલ્હી સરકાર કોઈપણ જરૂરી પગલાં લેવામાં વિલંબ કરશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારનું મુખ્ય ધ્યાન સ્વચ્છ હવા સુનિશ્ચિત કરવા, જાહેર આરોગ્ય જાળવવા અને ગ્રાઉન્ડ પર રિયલ ટાઇમ દેખરેખ રાખવા પર છે.
સરકારે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, બાળકો અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંવેદનશીલ નાગરિકોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તેમની સલામતી માટે વિશેષ તકેદારી રાખી રહી છે. સરકારે તમામ ખાનગી કંપનીઓને આ એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરવા અને દરેક કર્મચારી સુધી માહિતી પહોંચાડવા અપીલ કરી છે.




















