logo-img
China Floating Artificial Island 2028 Launch

ચીન બનાવી રહ્યું છે દુનિયાનું પ્રથમ તરતું આઈલેન્ડ : પરમાણું હુમલાની પણ નહીં થાય અસર

ચીન બનાવી રહ્યું છે દુનિયાનું પ્રથમ તરતું આઈલેન્ડ
Published by: Offbeat Team
| Last Updated: Nov 21, 2025, 05:45 PM IST

ચીને દરિયાઈ ટેક્નોલોજીમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં વિશાળ તરતું ટાપુ તૈયાર કરવાની પ્રક્રિયા આગળ ધપાવી છે. અંદાજે 78,000 ટન વજન ધરાવતું આ પ્લેટફોર્મ જરૂર પડે ત્યારે સમુદ્રી વિસ્તારમાં એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવાનો વિકલ્પ આપે છે. તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે અત્યંત ગંભીર પરિસ્થિતિઓમાં પણ તે સ્થિર રહી શકે, જેમાં પરમાણુ વિસ્ફોટની અસરો ઝીલવાની ક્ષમતા પણ સામેલ છે. આ વિશાળ માળખું ચીનના ફુજિયન વિમાનવાહક જેટલું જ કદ ધરાવે છે અને લાંબા ગાળે સંશોધન માટે સ્વયંસંપૂર્ણ રહે છે.

આ ટાપુ પર 238 લોકો ચાર મહિના સુધી સતત રહી શકે એટલી સગવડ ઉપલબ્ધ રહેશે. તેને આ સમયગાળા દરમિયાન બાહ્ય પુરવઠાની જરૂર નહીં પડે, જે ઘણા પરમાણુ કેરિયર કરતાં વધારે કાર્યક્ષમતા દર્શાવે છે. આ પ્રોજેક્ટને 2028 માં કાર્યરત કરવાની યોજના છે અને તેને ચીનની 14મી પંચવર્ષીય યોજના અંતર્ગત એક રાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિક ઉપક્રમ તરીકે નોંધવામાં આવ્યો છે. તેનું ડિઝાઇનિંગ શાંઘાઈ જિયાઓટોંગ યુનિવર્સિટી અને ચાઇના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

પરમાણુ વિસ્ફોટથી રક્ષણની જરૂર શા માટે

પ્રોજેક્ટમાં જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે આ તરતું પ્લેટફોર્મ ઊંડા પાણીમાં લાંબો સમય રોકાઈને કામગીરી કરી શકે તે માટે બનાવવામાં આવી રહ્યું છે. તેમાં પાવર સિસ્ટમ, કોમ્યુનિકેશન લિંક્સ અને નેવિગેશન સાધનો જેવા મુખ્ય ઘટકો છે, જેને ગંભીર પરિસ્થિતિઓમાં સુરક્ષિત રાખવું અત્યંત જરૂરી બને છે. આ કારણસર તેને એવા ધોરણો મુજબ બનાવવામાં આવશે કે જે પરમાણુ સ્તરના આંચકાઓને ઘટાડે.

કદ, ડિઝાઇન અને સમુદ્રી ક્ષમતા

આ પ્લેટફોર્મ 138 મીટર લંબાઈ અને 85 મીટર પહોળાઈ ધરાવશે. તેનો મુખ્ય ડેક પાણીની સપાટીથી અંદાજે 45 મીટર ઉપર રહેશે. ટ્વીન હલ આધારિત માળખું તેને 69 મીટર જેટલી ઊંચાઈના મોજામાં પણ નિયંત્રિત રીતે ચાલી શકે તેવી શક્તિ આપે છે. ઉપરાંત, તે 15 knots ની ઝડપે સમુદ્રમાં આગળ વધી શકે અને કેટેગરી 17 સુધીના તોફાનો સહન કરી શકે છે.

નવું મેટામેટિરિયલ કેવી રીતે રક્ષણ આપે છે

પરંપરાગત રીતે પરમાણુ વિસ્ફોટથી બચાવ માટે ભારે સ્ટીલ બખ્તરનો ઉપયોગ થાય છે. પરંતુ તરતું પ્લેટફોર્મ ભારે ન બને તે માટે વૈજ્ઞાનિકોએ નવી પદ્ધતિ અપનાવી છે. તેઓએ એક ખાસ પ્રકારનું sandwich bulkhead વિકસાવ્યું છે, જેમાં પાતળી ધાતુની ટ્યુબોનું જાળીદાર માળખું સામેલ છે. આ બનેલું સ્તર આંચકાની દિશા બદલી, તેને ધીમા અને નિયંત્રિત દબાણમાં ફેરવે છે.

60 mm થિકનેસ ધરાવતું આ મેટામેટિરિયલ ભારે સ્ટીલ કરતાં વધુ અસરકારક સાબિત થયું છે. પરીક્ષણોમાં તે 177 kilopascal જેટલી વિસ્ફોટક તીવ્રતા સહન કરી શક્યું, જે અનેક ઇમારતોને ધરાશાયી કરવા જેટલું દબાણ છે. આ ડિઝાઇનના કારણે આંચકાની તીવ્રતામાં લગભગ 58% ઘટાડો નોંધાયો અને માળખા પર લાગતા વજનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો.

લશ્કરી ઉપયોગની સંભાવના

પ્લેટફોર્મને વૈજ્ઞાનિક સંશોધન માટે ઉપયોગમાં લેવાય એવી જાહેરાત કરવામાં આવી છે, જોકે તેની ડિઝાઇન ચીનના પરમાણુ સલામતી ધોરણોને અનુસરે છે, જે તેને લશ્કરી કાર્યો માટે પણ યોગ્ય બનાવે છે. વિશેષજ્ઞોના મતે, તેને દક્ષિણ ચીન સમુદ્ર જેવી વ્યૂહાત્મક જગ્યાઓમાં તૈનાત કરીને કમાન્ડ સેન્ટર, સર્વેલન્સ પોઈન્ટ અથવા લોજિસ્ટિક્સ આધાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now