Thane-Ambernath flyover accident: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંબરનાથ પૂર્વ-પશ્ચિમને જોડતા ફ્લાયઓવર પર ઝડપથી આવતી ટાટા નેક્સોન કાર અચાનક બેકાબૂ થઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતી મોટરસાયકલો સાથે અથડાઈ. આ ભીષણ ટક્કરમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત સમયે પ્રમોદ ચૌબેના પત્ની કારમાં હાજર
આ કાર અંબરનાથ શિવસેના (શિંદે ગટ)ના નેતા પ્રમોદ ચૌબેના નામે નોંધાયેલી છે. અકસ્માત સમયે તેમની પત્ની સુમન ચૌબે કારમાં હાજર હતાં. સુમન ચૌબે હાલ અંબરનાથ મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેના (શિંદે) તરફથી લડી રહ્યાં છે અને તેઓ બુઆપાડા વિસ્તારમાં પ્રચાર માટે જઈ રહ્યાં હતાં. તેમને હાથ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિક લોકોએ કારની બારી તોડીને તેમને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા.
CCTV ફૂટેજ વાયરલ
અકસ્માતનાં દૃશ્યોનાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે, જેમાં કાર ઝડપથી પલટી ખાતી અને મોટરસાયકલોને કચડી નાખતી દેખાઈ રહી છે.મૃતકો અને ઘાયલોઘટનાસ્થળે જ ચાર લોકોનાં મોત (ત્રણ મોટરસાયકલ સવારો અને કારનો ડ્રાઇવર) ઘાયલોમાં સુમન ચૌબે સહિત ચાર લોકો, એક ઘાયલને ઉલ્હાસનગર સેન્ટ્રલ હોસ્પિટલમાં અને બાકીનાને ડોમ્બિવલીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.
સ્થાનિકોના આરોપો
કેટલાક લોકોનો દાવો છે કે ડ્રાઇવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો જેથી એક્સિલરેટર દબાઈ ગયું, જ્યારે અન્ય લોકો ડ્રાઇવરના નશામાં હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે હજુ સુધી આમાંથી કોઈ આરોપની પુષ્ટિ કરી નથી.અંબરનાથ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શબ્બીર અહેમદે જણાવ્યું કે, “ચાર લોકોનાં મોત થયાં છે અને ચાર ગંભીર રીતે ઘાયલ છે. મૃતકોની ઓળખ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.” મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ઉલ્હાસનગર મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર રોડ સેફ્ટી અને ઝડપના જોખમોનો મુદ્દો ઉઠાવ્યો છે.




















