logo-img
Ai Misuse Women Safety Concerns Rise

AIના કારણે મહિલાઓ સામેના ઓનલાઈન ગુનાઓમાં વધારો : જાણો કેવી રાતે?

AIના કારણે મહિલાઓ સામેના ઓનલાઈન ગુનાઓમાં વધારો
Published by: Offbeat Team
| Last Updated: Nov 21, 2025, 05:15 PM IST

આધુનિક ટેકનોલોજી ઝડપથી આગળ વધતી હોવાથી AI આજે રોજિંદા જીવનનો એક મુખ્ય ભાગ બની ગયું છે. કેટલીક મિનિટોમાં કાર્ય પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવતું આ ટેકનોલોજીકલ સાધન માહિતી એકત્રિત કરવાથી લઈને ફોટો એડિટિંગ સુધી અનેક ક્ષેત્રોમાં વપરાઈ રહ્યું છે. વિશ્વના કેટલાક દેશોમાં તો AI સંબંધિત મંત્રાલય પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ તેજ ગતિએ ફેલાતું નવતર સાધન એક ગંભીર ચિંતા પણ ઊભી કરી રહ્યું છે. ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવતા ગુનાઓ AI ના આગમન પછી વધુ ઝડપથી વધી રહ્યા છે.

તાજેતરના સમય દરમિયાન AI દ્વારા બનાવાયેલા ભ્રામક ફોટોઝ અને ડીપફેક્સના કિસ્સાઓમાં સતત વધારો નોંધાયો છે. ટેકનોલોજી દ્વારા એવી છબીઓ તૈયાર થાય છે કે જેમાં અસલી અને નકલી વચ્ચેનો ભેદ સમજવો મુશ્કેલ બની ગયો છે. અનેક મહિલાઓ અને જાહેર જીવનમાં સક્રિય જાણીતી હસ્તીઓ પણ તેનો ભોગ બની રહી છે. અભિનેત્રી કીર્તિ સુરેશે જણાવ્યું હતું કે AI દ્વારા બનાવાયેલ એક બનાવટી ફોટો ઓનલાઈન જોવા મળતા તે સંપૂર્ણ રીતે અચંબામાં પડી ગઈ હતી. તેમણે આ અનુભવને ખૂબ અસ્વસ્થ બનાવતો ગણાવ્યો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવી ટેકનોલોજીનું બેફામ વપરાશ અત્યંત ખતરનાક બની શકે છે.

કીર્તિ સુરેશે જણાવ્યું હતું કે ઓનલાઈન ફેલાતા ભ્રામક ચિત્રોમાં તે એવા વસ્ત્રો તથા પરિસ્થિતિઓમાં દર્શાવવામાં આવી હતી જેનો તેની સાથે કોઈ સંબંધ નહોતો. પ્રાઈવસી અને વ્યક્તિગત જીવન સુરક્ષિત છે કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક ડીપફેક ચિત્રમાં તેને અને તેના પતિને સાથે ઉભેલા દર્શાવવાથી તે સૌથી વધુ વ્યાકુલ થઈ ગઈ હતી કારણ કે તે તદ્દન વાસ્તવિક લાગતું હતું. કીર્તિનો દાવો છે કે આવી ટેકનોલોજી ખોટા લોકોના હાથમાં જાય તો તેનો અસરવિસ્તાર અણધાર્યો હોઈ શકે છે.

યુએનના તાજેતરના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે AI દ્વારા બનેલા દુરૂપયોગી કન્ટેન્ટને કારણે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ઉછાળો જોવા મળ્યો છે. સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે વિશ્વમાં લગભગ 1.8 billion મહિલાઓને આ પ્રકારના સાયબર ગુનાઓ સામે કાનૂની સુરક્ષા પ્રાપ્ત નથી. યુએન વુમન એ ચેતવણી આપી છે કે વિશ્વના 40 ટકા કરતાં ઓછા દેશોમાં સાયબર સ્ટોકિંગ અથવા ડિજિટલ હેરેસમેન્ટને લગતા કાયદા કાર્યરત છે. આ કારણે અનેક પીડિતાઓને ન્યાય મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જ્યારે ગુનેગારો લગભગ નિર્ભય બની જાય છે.

ભારતમાં મહિલાઓની સલામતી અંગે પણ કીર્તિ સુરેશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમની દૃષ્ટિએ ટેકનોલોજીના વિકાસ સાથે મહિલાઓને નિશાન બનાવવાના પ્રસંગો ઓછા થયા નથી. AI દ્વારા મહિલાઓના ચહેરા અને ફોટોઝને દુરુપયોગ કરવામાં આવે છે, જે અત્યંત પીડાદાયક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપમાનજનક મેસેજીસ અને વિકૃત ફોટોઝ મળવું હવે અજાણી બાબત નહિં રહી. ઘણી મહિલાઓ માટે આ ડિજિટલ જગત એક તરફ સશક્તિકરણનું માધ્યમ છે જ્યારે બીજી તરફ જોખમોનું કેન્દ્ર પણ બની રહ્યું છે.

યુએનના એક અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહિલા નેતાઓ, પત્રકારો અને જાહેર જીવનમાં સક્રિય સ્ત્રીઓ સતત ડીપફેક હુમલા, લિંગ આધારિત ખોટી માહિતી અને ઓનલાઈન હેરેસમેન્ટનો સામનો કરે છે. ચારમાંથી એક મહિલા પત્રકારને ઓનલાઈન મૃત્યુની ધમકીઓ મળતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુએન વુમનના કાર્યકારી નિયામક સીમા બાહૌસે જણાવ્યું કે ડિજિટલ ઉત્પીડન ફક્ત ઓનલાઈન જ રહેતું નથી. તેનો પ્રભાવ વાસ્તવિક જીવનમાં ફેલાય છે અને ઘણીવાર હિંસક ઘટનાઓમાં પરિવર્તિત થાય છે.

વૈશ્વિક સર્વે મુજબ 38 ટકા મહિલાઓએ કોઈને કોઈ રૂપે ઓનલાઈન હિંસાનો અનુભવ કર્યો છે અને 85 ટકા મહિલાઓએ આવા બનાવો ઓનલાઈન જોયા છે. ખાસ કરીને ડીપફેક ટેકનોલોજી હથિયારરૂપ બની રહી છે. ઓનલાઈન મળતી લગભગ 95 ટકા ડીપફેક adult images સંમતિ વિના બનાવવામાં આવે છે અને તેમાં 99 ટકા પીડિતાઓ મહિલાઓ છે.

વિદ્વાનોના મત મુજબ ડિજિટલ દુર્વ્યવહાર હવે માત્ર વર્ચ્યુઅલ જગત પૂરતું મર્યાદિત નથી. ઓનલાઈન હુમલા ઘણીવાર વાસ્તવિક જીવનમાં ગંભીર ખતરામાં ફેરવાઈ જાય છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિષ્ણાતો ટેકનોલોજી સાથે તાલમેળ બેસતા કાયદાઓની તાત્કાલિક જરૂરિયાત વ્યક્ત કરી રહ્યા છે જેથી દુનિયાભરના મહિલાઓના અધિકારો અને સુરક્ષાનું રક્ષણ થઈ શકે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now