logo-img
Bihar Assembly Election 2025 First Phase Voting 121 Seats 1314 Candidates

આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન : જાણો કેટલી પાર્ટીઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું?, કઈ સીટો પર છે કાંટાની ટક્કર?

આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન
Published by: Offbeat Team
| Last Updated: Nov 05, 2025, 06:33 PM IST

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગુરુવારે 6 નવેમ્બર 2025ના રોજ 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન યોજાશે. આ તબક્કામાં 122 મહિલાઓ સહિત કુલ 1314 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધાશે. આ તબક્કો નીતીશ કુમાર સરકારના 16 મંત્રીઓ માટે નિર્ણાયક સાબિત થશે.

એડીઆર (Association for Democratic Reforms)ના અહેવાલ અનુસાર, બિહારની 243 બેઠકો માટે કુલ 2616 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 32% એટલે કે 838 ઉમેદવારો સામે ગુનાહિત કેસ છે. ગંભીર ગુનામાં 695 ઉમેદવારો પર હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના આરોપો છે.

છેલ્લી ચૂંટણીમાં આ 121 બેઠકોમાં RJDએ 42, BJPએ 32, CPI(ML)એ 7, VIPએ 4, CPI અને CPMએ 2-2 અને JDUએ 1 બેઠક જીતી હતી.

આ વર્ષે NDAમાં BJP, JDU, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચો અને ઉપેન્દ્ર કુશવાહાની RLSP છે. જ્યારે મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, VIP, CPI(ML), CPI અને CPMનો સમાવેશ થાય છે. આ ઉપરાંત BSP, AIMIM, સુભાસ્પા, જનસુરાજ, આઝાદ સમાજ પાર્ટી અને જનશક્તિ જનતા દળ જેવા નાના પક્ષો પણ મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં કેટલાક મતવિસ્તારોમાં તંગ મુકાબલા જોવા મળશે. મોકામા બેઠક સૌથી ચર્ચાસ્પદ છે, જ્યાં JDUના ભૂતપૂર્વ ધારાસભ્ય અનંત સિંહ સામે RJDની વીણા દેવી વચ્ચે ટક્કર છે. લાખીસરાયમાં નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહનો મુકાબલો કોંગ્રેસના અમરેશ કુમાર સાથે છે. રઘુનાથપુરમાં શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબ જેડીયૂના ઉમેદવાર સામે મેદાનમાં છે.

તારાપુર, રાઘોપુર, કરકટ, છાપરા અને મહુઆ જેવી બેઠકો પણ હાઈપ્રોફાઇલ ગણાય છે. તારાપુરમાં સમ્રાટ ચૌધરી, રાઘોપુરમાં તેજસ્વી યાદવ, અને છાપરામાં ખેસારી લાલ યાદવનું ભાવિ મતદારોના હાથે નક્કી થશે.

ગોપાલગંજના ભોરે મતવિસ્તારમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવાર પ્રીતિ જનસુરાજ પાર્ટી તરફથી મેદાનમાં છે, જ્યારે અલીનગરમાં લોકગાયિકા મૈથિલી ઠાકુર પણ RJDના ઉમેદવાર સામે ટક્કર આપી રહી છે.

આ તબક્કામાં માધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટના અને ભોજપુર જિલ્લાઓમાં મતદાન યોજાશે.

આ તબક્કાનો મુખ્ય મુકાબલો નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના NDA અને તેજસ્વી યાદવના મહાગઠબંધન વચ્ચે થવાનો છે, જોકે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી અને AIMIM પણ અનેક વિસ્તારોમાં પ્રભાવ બતાવી રહી છે.

6 નવેમ્બર બિહારમાં રાજકીય સમીકરણ બદલાવવાનો દિવસ બની શકે છે, કારણ કે તેજસ્વી યાદવ, સમ્રાટ ચૌધરી, વિજય સિંહા અને અનેક હાઈપ્રોફાઇલ ઉમેદવારોનું રાજકીય ભાવિ મતદારોના નિર્ણય પર નિર્ભર રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now