પાકિસ્તાની રેન્જર્સે આકસ્મિક રીતે સરહદ પાર કરી ગયેલા BSF જવાનને હજુ સુધી પરત નથી કર્યો. આ ઘટનાને 80 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ સૈનિકની વાપસીને લઈને પાકિસ્તાન તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં સૈનિકનો પરિવાર ખૂબ જ ચિંતિત છે. તેમના પિતાએ તેમના પુત્રની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બીજી તરફ, બીએસએફના અધિકારીઓએ સૈનિકને પરત લાવવા માટે પાકિસ્તાન રેન્જર્સ સાથે અત્યાર સુધીમાં ત્રણ વખત ફ્લેગ મીટિંગ કરી છે. તેમ છતાં પાકિસ્તાન સતત વિલંબ કરી રહ્યું છે અને સૈનિકને સોંપવાનો ઇનકાર કરી રહ્યું છે. BSF જવાનની સુરક્ષિત વાપસી માટે પ્રયાસો તેજ કર્યા છે. અધિકારીઓ તેમના પાકિસ્તાની સમકક્ષો સાથે સતત સંપર્કમાં છે.
તમને જણાવી દઈએ કે 182મી બટાલિયનના કોન્સ્ટેબલ ખેડૂતોને સરહદ પાસેની વાડ પર લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેઓ ભૂલથી પાકિસ્તાની સરહદમાં ઘૂસી ગયા અને રેન્જર્સના હાથે ઝડપાઈ ગયા. BSF જવાન યુનિફોર્મમાં હતો અને તેની સાથે તેની સર્વિસ રાઈફલ હતી.
પાકિસ્તાનનું વલણ
આ ઘટના બાદ BSFએ પોતાના જવાનને પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. અનેક પ્રયાસો છતાં પાકિસ્તાન રેન્જર્સે હજુ સુધી સૈનિકને પરત સોંપ્યો નથી અને તેના ઠેકાણા વિશે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.
BSFના અથાક પ્રયાસ
BSFએ પાકિસ્તાની રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ માટે ઘણી વિનંતીઓ કરી હતી પરંતુ દરેક વખતે નિરાશ થઈ હતી. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તમામ યુનિટ્સને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીએસએફ હવે રેન્જર્સ સાથે ફિલ્ડ કમાન્ડર સ્તરની બેઠક યોજવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી સૈનિકને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લાવી શકાય.




















