Bihar Assembly Election Result : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના વર્તમાન વલણોમાં, NDA 160 નો આંકડો પાર કરી ગયો છે. 243 સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો 121 છે, અને NDA તેનાથી વધુ બેઠકો પર આગળ છે. બીજી તરફ મહાગઠબંધન તેના અગાઉના પ્રદર્શનથી પાછળ રહી ગયું છે. ત્યારે ભાજપ કાર્યલય ખાતે PM મોદીની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓનો આભાર કાર્યક્રમ યોજાયો હતો.
'...કોંગ્રેસના લોકો દુઃખી હતા'
PM મોદીએ જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "જ્યારે હું બિહાર ચૂંટણી દરમિયાન જંગલ રાજ અને કટ્ટા સરકાર વિશે વાત કરતો હતો, ત્યારે આરજેડીના લોકો કંઈ કહેતા નહોતા, પરંતુ તેનાથી કોંગ્રેસના લોકો દુઃખી હતા . હું વારંવાર આ કહેતો રહ્યો. કટ્ટા સરકાર હવે પાછી નહીં આવે."
'અમે જનતાનું દિલ ચોરીને બેઠા છીએ'
PM મોદીએ કહ્યું કે, 'અમે જનતાનું દિલ ચોરીને બેઠા છીએ, કટ્ટા સરકાર હવે નહીં આવે, આ એ જ બિહાર છે જ્યાં એક સમયે માઓવાદી આતંક ફેલાઈ ગયો હતો, અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મતદાન બપોરે 3 વાગ્યે સમાપ્ત થઈ જતું હતું. ચૂંટણી યોજવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ આ વખતે, બિહારના લોકોએ ભય વગર, ઉત્સાહ સાથે મતદાન કર્યું, જાણે કોઈ તહેવાર હોય તેવી રીતે મતદાન કર્યું. બધા જાણે છે કે જંગલ રાજ દરમિયાન શું થયું હતું. ત્યારે મતપેટીઓ લૂંટાતી હતી. આજે, એ જ બિહાર રેકોર્ડ તોડી રહ્યું છે અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજી રહ્યું છે.
લોકોએ વિકાસને જનાદેશ આપીને તેને સમર્થન આપ્યું છે: જેપી નડ્ડા
આ કાર્યક્રમની શરૂઆત કરતા, જેપી નડ્ડાએ કહ્યું કે, 'આ પરિણામો સુનામી દર્શાવે છે. આ સુનામીએ સ્પષ્ટ કર્યું છે કે બિહાર અને સમગ્ર દેશના લોકો આદરણીય પ્રધાનમંત્રીમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે અને રાજ્યને આગળ લઈ જવા માટે વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી સ્પષ્ટપણે વિકાસ અને જંગલ રાજ વચ્ચે હતી. અને લોકોએ વિકાસને જનાદેશ આપીને તેને સમર્થન આપ્યું છે'.




















