દિલ્હીમાં થયેલા તાજેતરના વિસ્ફોટોની તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે. તપાસ સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટ્સે બતાવ્યું છે કે હુમલાખોરોએ તેમની ચર્ચા અને આયોજન માટે ટેલિગ્રામ એપનો સહારો લીધો હતો. એ જાણવા મળ્યું છે કે એપમાં ઉપલબ્ધ એક ખાસ સુરક્ષા સુવિધાએ તેમની વાતચીત બહાર લીક થવાથી રોકી હતી.
ક્યા ફીચરનો ઉપયોગ થયો
ટેલિગ્રામમાં ઉપલબ્ધ સિક્રેટ ચેટ નામની સુવિધા આ કેસમાં મુખ્ય રહી હોવાની પ્રાથમિક માન્યતા છે. આ સુવિધા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત માત્ર તેમની ડિવાઇસ સુધી જ સીમિત રહે. અન્ય કોઈ ડિવાઇસ કે સર્વર પર તે મેસેજ વાંચી શકાતો નથી.
એન્ક્રિપ્શન કેવી રીતે સુરક્ષા આપે છે
સિક્રેટ ચેટમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન લાગુ પડે છે. આ પ્રણાલી હેઠળ મેસેજ મોકલનાર અને પ્રાપ્ત કરનાર સિવાય ત્રીજો કોઈ તેને વાંચી શકતો નથી. મેસેજ decrypt કરવાની ચાવી માત્ર બે ડિવાઇસમાં રહે છે. તેથી કોઈ સર્વર, નેટવર્ક અથવા મધ્યવર્તી તંત્ર આ મેસેજ સુધી પહોંચતું નથી.
આ સુવિધાનો ઉપયોગ કરતાં મેસેજને ફોરવર્ડ કરવાની પરવાનગી મળતી નથી, જેના કારણે માહિતી એક જ ચેટમાં મર્યાદિત રહે છે.
મેસેજ આપમેળે ગાયબ થવા માટેનો વિકલ્પ
રિપોર્ટ્સ મુજબ સિક્રેટ ચેટમાં મેસેજ માટે ટાઈમર સેટ કરી શકાય છે. આ સમય પૂરો થયા પછી મેસેજ આપોઆપ નષ્ટ થઈ જાય છે. ચેટનો સ્ક્રીનશોટ લેવાના પ્રયાસ પર પણ નોંધણી થતી હોઈ, ચર્ચા સુરક્ષિત રહે છે.
આ સુવિધા ફક્ત બે ડિવાઇસ વચ્ચે જ કાર્ય કરે છે. ગ્રુપ ચેટની તેમાં મંજૂરી નથી.
નિષ્ણાતોની ચેતવણી
સાયબર સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે ટેલિગ્રામ સહિતની ઘણી એપ્સ મફતમાં ઉપલબ્ધ છે અને સરળતાથી ડાઉનલોડ થઈ જાય છે. સરકાર કોઈ એપ પર પ્રતિબંધ મૂકે તો લોકો મિનિટોમાં બીજી એપ અપનાવી લે છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે ટેલિગ્રામના સર્વર ભારતમાં નથી, જેના કારણે તપાસ એજન્સીઓને જરૂરી ડેટા મેળવવામાં અડચણ આવે છે.




















