જે ભૂમિ પર ક્યારેક વેદોના મંત્રો ગૂંજી ઉઠતા હતા, જ્યાં બુદ્ધે કરુણાનો ઉપદેશ આપ્યો હતો અને જ્યાં સંસ્કૃત ભાષાના પ્રથમ શબ્દો ઉચ્ચારાયા હતા, તે જ ધરતી આજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન તરીકે ઓળખાય છે. એક વખત ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનની ધારા વહેતી આ જમીન હવે ધાર્મિક અને રાજકીય ઓળખના અલગ માર્ગે ચાલી છે.
વિદ્વાનો કહે છે કે આજનું પાકિસ્તાન એ જ ભૂમિ છે જેને પ્રાચીન વેદોમાં સપ્તસિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યું હતું. સિંધુ ખીણની સભ્યતા મોહેંજો-દડો, હડપ્પા અને તક્ષશિલા એ જ ભૂમિ પર વિકસેલી હતી. આ પ્રદેશ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ હતો, પરંતુ સમય અને સત્તાના પરિવર્તન સાથે ધર્મ અને શાસન બંનેમાં મોટા ફેરફાર થયા.
આઠમી સદીનું પરિવર્તન: આરબ આક્રમણ અને ઇસ્લામનો પ્રવેશ
ઇતિહાસકારો જણાવે છે કે આઠમી સદીમાં આરબ સેનાપતિ મુહમ્મદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું. રાજા દહર બહાદુરીથી લડ્યા પરંતુ પરાજિત થયા, જેના પરિણામે પ્રથમવાર આ ભૂમિ પર ઇસ્લામિક શાસનની શરૂઆત થઈ. ત્યારબાદ ગઝનવી, ઘોરી, લોધી અને મુઘલ શાસનકાળ દરમિયાન ઇસ્લામિક સંસ્કૃતિનો વિસ્તાર વધુ મજબૂત બનતો ગયો.
બ્રિટિશ રાજ અને બે રાષ્ટ્ર સિદ્ધાંતની શરૂઆત
બ્રિટિશ શાસન દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાય સાથે રહેતા હતા, પરંતુ રાજકીય વિખવાદ અને ધાર્મિક અવિશ્વાસ ધીમે ધીમે ઊંડો બનતો ગયો. ૧૯૦૬માં સ્થાપિત મુસ્લિમ લીગ એ અલગ રાજકીય ઓળખની માંગ સાથે બે રાષ્ટ્ર સિદ્ધાંત રજૂ કર્યો. ૧૯૪૦ના લાહોર ઠરાવ પછી આ વિચારને મજબૂતી મળી, અને ૧૯૪૭માં ભારતના વિભાજન સાથે પાકિસ્તાનનું જન્મ થયો.
ભાગલા દરમિયાન ભારે હિંસા ફાટી નીકળી. અંદાજે દસ લાખ લોકોના જીવ ગયા, અને એક કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા. પંજાબ અને સિંધના વિસ્તારો, જ્યાં હિન્દુ અને શીખ સમુદાય સદીઓથી વસવાટ કરતા હતા, ખાલી થઈ ગયા. મંદિરના ઘંટ શાંત થઈ ગયા અને મસ્જિદોના અઝાનના અવાજો ગૂંજવા લાગ્યા.
ઇસ્લામિક રિપબ્લિક તરફનો માર્ગ
૧૯૫૬માં પાકિસ્તાનને સત્તાવાર રીતે ઇસ્લામિક રિપબ્લિક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી ધર્મનિરપેક્ષતાના વિચારોને બંધારણમાં સ્થાન મળ્યું નથી. જનરલ ઝિયા-ઉલ-હકના શાસન દરમિયાન શરિયા કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું, અને ઇસ્લામિક મૂલ્યોને ન્યાય અને રાજકારણમાં કેન્દ્રસ્થાન મળ્યું.
વિશ્વાસના આધારે રચાયેલ આ રાજ્ય આજે ધાર્મિક દૃષ્ટિએ વધુ એકરૂપ બન્યું છે. ૧૯૪૭માં હિન્દુ વસ્તી આશરે ૧૫ ટકા હતી, જ્યારે આજના આંકડા મુજબ તે ઘટીને માત્ર ૧.૮ ટકા જેટલી રહી ગઈ છે. મોટાભાગના હિન્દુઓ હવે સિંધના થરપારકર અને મીરપુરખાસ જેવા વિસ્તારોમાં વસે છે.
સંસ્કૃતિની ધરતી અને ઓળખનો પ્રશ્ન
પાકિસ્તાનનો ઇતિહાસ બતાવે છે કે આ ભૂમિ માત્ર રાજકીય સીમાઓથી નહિ, પરંતુ સંસ્કૃતિ અને ધાર્મિક પરિવર્તનોની પણ સાક્ષી રહી છે. વેદિક યજ્ઞોની સુગંધ ધરાવતી આ માટી આજે ઇસ્લામિક ઓળખ ધરાવે છે. વિદ્વાનો માને છે કે ધર્મ અને રાજકારણના સંમિશ્રણે આ ધરતીની મૂળ ઓળખ ધુમ્મસમાં ખોવાઈ ગઈ છે.
મનુસ્મૃતિનો શ્લોક અહીં અનુકૂળ જણાય છે — “ધર્મ એવ હંતિ, ધર્મો રક્ષતિ રક્ષિતાઃ” — જે ધર્મનું રક્ષણ કરે છે તે ટકી રહે છે. ભારતે જ્યાં ધર્મ અને રાજકારણ વચ્ચે સંતુલન જાળવ્યું, ત્યાં પાકિસ્તાનમાં ધર્મ રાજનીતિમાં મિશ્રિત થઈ ગયો.