શનિવારે યોજાયેલી આંતરિક ચુંટણીમાં ભૂતપૂર્વ આર્થિક સુરક્ષા પ્રધાન સનાઈ તાકાઈચી જાપાનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ની નવા નેતા તરીકે ચૂંટાઈ આવી છે. તેઓ 15 ઑક્ટોબરે જાપાનની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લેશે, જે દેશના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ માનવામાં આવી રહી છે.
બીજા રાઉન્ડમાં જીત નોંધાવી
LDP નેતૃત્વ માટેની રેસમાં કુલ પાંચ ઉમેદવાર વચ્ચે સ્પર્ધા થઈ હતી. પ્રથમ રાઉન્ડમાં કોઈ ઉમેદવારને બહુમતી ન મળતા, બીજા રાઉન્ડમાં તાકાઈચીને 185 મત મળ્યા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોઈઝુમીને 156 મત મળ્યા. તેઓ હાલના વડાપ્રધાન શિગેરુ ઈશિબાનું સ્થાન લેશે.
એબેનોમિક્સની સમર્થક
સ્થાનિક રાજકીય વિશ્લેષકો મુજબ, તાકાઈચીની પસંદગી વધતા ભાવ અને મંદીની ચિંતાથી પરેશાન જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે કરવામાં આવી છે. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની “એબેનોમિક્સ” વ્યૂહરચનાની સમર્થક છે, જે સરકારી ખર્ચમાં વધારો અને સરળ નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની યોજના છે.
ટેલિવિઝન એન્કરથી રાજકારણ સુધીનો સફર
64 વર્ષીય તાકાઈચી ભૂતપૂર્વ ટેલિવિઝન એન્કર છે. તેમણે 1993માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે જાપાનની સંસદમાં પ્રવેશ કર્યો અને ત્યારથી સતત રાજકારણમાં સક્રિય છે. હાલમાં તેઓ પોતાના ગૃહ પ્રીફેક્ચર નારાનું પ્રતિનિધિત્વ કરે છે.
તાકાઈચીએ અગાઉ બેંક ઓફ જાપાનના વ્યાજ દર વધારાના નિર્ણયની ટીકા કરી હતી. તેઓ ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન માર્ગારેટ થેચરના પ્રશંસક છે અને જાપાનના પુરુષ-પ્રભુત્વ ધરાવતા રાજકારણમાં એક શક્તિશાળી મહિલા ચહેરા તરીકે ઉભરી છે.
મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી ચૂકી છે
તેમણે અગાઉ આર્થિક સુરક્ષા, આંતરિક બાબતો અને લિંગ સમાનતા મંત્રી જેવા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ, તેમની આગેવાનીમાં LDP વધુ મજબૂત અને આધુનિક નીતિઓ તરફ આગળ વધી શકે છે.