મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પારસિયા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના બાદ પોલીસે ડૉ. પ્રવીણ સોનીને ઝડપી લીધા છે.
આ કાર્યવાહી ત્યારે હાથ ધરાઈ જ્યારે કોલ્ડ્રિફ કફ સિરપ પીધા પછી 10 બાળકોના મોત થયાનો કેસ સામે આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સરેસન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવેલ આ કફ સિરપ ગેરરીતિથી વિતરિત અને આપવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં ડૉ. સોની અને ફાર્મા કંપનીના અન્ય જવાબદાર અધિકારીઓને મુખ્ય આરોપી તરીકે ચિહ્નિત કર્યા છે.
પોલીસની કાર્યવાહી ચાલુ
છિંદવાડા પોલીસે જણાવ્યું છે કે ડૉ. પ્રવીણ સોનીની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે.
તપાસ દરમિયાન કંપનીના અધિકારીઓ અને તબીબી સ્ટાફની ભૂમિકા પણ તપાસના દાયરા હેઠળ છે.
પોલીસ સૂત્રો મુજબ, જો તપાસમાં બેદરકારી અથવા ગેરકાયદેસર દવાઓના ઉપયોગના પુરાવા મળી આવશે, તો સંબંધિત તમામ વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
કંપની પર સવાલો
‘સરેસન ફાર્માસ્યુટિકલ્સ’ની ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણના ધોરણો અંગે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટે અલગ તપાસ શરૂ કરી છે.
કફ સિરપમાં કોઈ ઝેરી અથવા પ્રતિબંધિત રસાયણિક તત્વો હતા કે નહીં તે જાણવા માટે સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
સ્થાનિક સ્તરે ચકચાર
આ દુર્ઘટનાએ પારસિયા અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચાવી છે.
મૃતક બાળકોના પરિવારોમાં શોક અને આક્રોશ વ્યાપી ગયો છે.
સ્થાનિક વહીવટીતંત્રે તબીબી સેવાઓની સમીક્ષા શરૂ કરી છે અને પ્રાઇવેટ ક્લિનિકોમાં ચકાસણી અભિયાન શરૂ કરાયું છે.
છિંદવાડામાં બનેલી આ ઘટના ફાર્માસ્યુટિકલ સુરક્ષા અને તબીબી નીતિ પ્રણાલીની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે. પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત તપાસ શરૂ કરી છે, જ્યારે રાજ્ય સરકારે આશ્વાસન આપ્યું છે કે જવાબદાર તમામ લોકો સામે કડક પગલાં લેવાશે.