logo-img
Trumps U Turn Tariff Threat On Indian Medicines Averted

ટ્રમ્પનો યુ-ટર્ન : ભારતીય દવાઓ પર ટળ્યો ટેરિફનો ખતરો, અમેરિકામાં ભારતની ફાર્મા શક્તિનો ડંકો!

ટ્રમ્પનો યુ-ટર્ન
Published by: Offbeat Team
| Last Updated: Oct 10, 2025, 04:24 AM IST

Samir Shukla (Senior Journalist), New Jersey, USA: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી જેનરિક દવાઓ પર ટેરિફ લગાવવાની યોજનાને હાલ પૂરતી મોકૂફ રાખી છે, જે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે મોટા રાહતના સમાચાર છે. આ નિર્ણયથી ભારત કે જેને વિશ્વનું "ફાર્મસી ઓફ ધ વર્લ્ડ" કહેવામાં આવે છે, તેની તાકાત ફરી એકવાર સાબિત થઈ છે.

અમેરિકામાં વપરાતી લગભગ 47% જેનરિક દવાઓ ભારતમાંથી આવે છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને એન્ટિબાયોટિક જેવી જીવનરક્ષક દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ અમેરિકાના સ્થાનિક ઉત્પાદન કરતાં ઘણી સસ્તી હોવાથી ત્યાંના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે.

ટ્રમ્પે U-TURN શા માટે લીધો?

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ટ્રમ્પ સરકારે જેનરિક દવાઓ અને તેના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ (API) પર ટેરિફ લગાવવાની તપાસ શરૂ કરી હતી. પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આવા ટેરિફથી અમેરિકામાં દવાઓના ભાવ આસમાને પહોંચી જશે અને બજારમાં દવાઓની અછત સર્જાઈ શકે છે. જેનાથી અમેરિકી દર્દીઓને નુકસાન થઈ શકે છે. આખરે, વાણિજ્ય વિભાગે આ યોજનાને મર્યાદિત કરવાની ભલામણ કરી, અને ટ્રમ્પે ભારતની દવાઓની શક્તિ સામે ઝૂકવું પડ્યું. ટેરિફ વોરનો

વૈશ્વિક ખેલ :

ટ્રમ્પની ટેરિફ નીતિએ વૈશ્વિક અર્થતંત્રમાં હલચલ મચાવી છે. તેમણે ચીન પર ટેરિફ લગાવ્યા, જેના જવાબમાં ચીને અમેરિકી ખેત ઉત્પાદનોની ખરીદી બંધ કરી, જેનાથી અમેરિકી ખેડૂતોને ભારે નુકસાન થયું. જો ભારતીય દવાઓ પર ટેરિફ લાગ્યો હોત તો અમેરિકી આરોગ્ય વ્યવસ્થા પર પણ ગંભીર અસર થઈ હોત. ભારતની સસ્તી અને વિશ્વસનીય દવાઓ વિના અમેરિકી દર્દીઓને દવાઓ માટે ચાર ગણી કિંમત ચૂકવવી પડી હોત.


ભારતનો ફાર્મા ઉદ્યોગ: વિશ્વનું ગૌરવ :

ભારતનો ફાર્મા ઉદ્યોગ જેનરિક દવાઓના ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે. અમેરિકા ઉપરાંત યુરોપ, આફ્રિકા અને એશિયાના દેશોમાં ભારતની સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ મોકલવામાં આવે છે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે, જ્યાં દર વર્ષે અરબો ડોલરની દવાઓ મોકલાય છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીય ફાર્મા કંપનીઓએ રાહતનો શ્વાસ લીધો છે, અને ભારતે વિશ્વ આરોગ્ય ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત કર્યું છે.

આ નિર્ણય દર્શાવે છે કે ભારતની ફાર્મા શક્તિ માત્ર આર્થિક જ નહીં, પરંતુ વૈશ્વિક આરોગ્ય માટે પણ અનિવાર્ય છે. ટ્રમ્પનો આ યુ-ટર્ન ભારતની દવાઓ પર અમેરિકાની નિર્ભરતા અને ભારતના આર્થિક-રાજકીય પ્રભાવનું પ્રતીક છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now