શિયાળાની ઋતુ નજીક આવતાં જ સરહદ પારથી આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની શક્યતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.
ગૃહમંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન મોદી સરકારની આતંકવાદમુક્ત જમ્મુ-કાશ્મીરના લક્ષ્ય માટેની અડગ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો.
સુરક્ષા દળોને સંપૂર્ણ છૂટછાટ
ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સુરક્ષા દળોને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, “દેશની એકતા, અખંડતા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે સરકાર કોઈ સમજૂતી નહીં કરે.”
ઉચ્ચ સ્તરીય અધિકારીઓ બેઠકમાં હાજર
આ મહત્વપૂર્ણ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી, તેમજ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક હાજર રહ્યા હતા.
તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મહાનિર્દેશકો પણ બેઠકમાં જોડાયા હતા.
આતંકવાદ વિરુદ્ધ અભિયાનમાં ઝડપ
સૂત્રો મુજબ, બેઠક દરમિયાન તાજા ઇન્ટેલિજન્સ ઇનપુટ્સની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પોઇન્ટ્સ પર આતંકી પ્રવૃત્તિઓ અને ઇન્ફિલ્ટ્રેશન પ્રયાસો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
ગૃહમંત્રીએ દળોને સૂચના આપી કે, શિયાળા પહેલા દરેક સંભવિત ઘૂસણખોરી માર્ગને સીલ કરી દેવો જોઈએ અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાના કોઈપણ પ્રયાસને તરત નિષ્ફળ બનાવવો જોઈએ.