ભારત હવે લક્ષદ્વીપ ટાપુઓને નવા ડિફેન્સ કમાન્ડ સેન્ટર તરીકે વિકસાવવાની તૈયારીમાં છે, જે સમુદ્રી રક્ષણના માળખાને વધુ મજબૂત બનાવશે. આ યોજના ફક્ત રક્ષા મંત્રાલયનો પ્રશાસનિક નિર્ણય હોવાની સાથે ચીનની વધતી અસર સામે ભારતની રણનીતિક તૈયારીનો સ્પષ્ટ સંકેત છે.
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપાર માર્ગોમાંનો એક હિન્દ મહાસાગર છે, અહીંથી લગભગ 40 ટકા વૈશ્વિક વેપાર અને 80 ટકા સમુદ્રી તેલ પરિવહન પસાર થાય છે. આવી સ્થિતિમાં, ભારતના બંને દ્વીપસમૂહ પૂર્વમાં અંદમાન-નિકોબાર અને પશ્ચિમમાં લક્ષદ્વીપ રણનીતિક દૃષ્ટિએ અનમોલ સંપત્તિ છે.
લક્ષદ્વીપનું નવું રક્ષણાત્મક મહત્ત્વ
લક્ષદ્વીપ ભારતના દક્ષિણ-પશ્ચિમ સરહદથી આશરે 200 થી 440 કિ.મી. દૂર અરબી સમુદ્રમાં સ્થિત છે. આ ટાપુઓ મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાને જોડતા સમુદ્રી માર્ગો પર છે.
સરકાર મિનિકોય અને અગત્તિ ટાપુઓ પર રક્ષણાત્મક નેવીના બંદર, એરફિલ્ડઅને સર્વેલન્સ સિસ્ટમ વિકસાવવા માંગે છે. આ સુવિધાઓ ભારતને નવ ડિગ્રી ચેનલ પર નજર રાખવામાં મદદ કરશે, જે અરબી સમુદ્રને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડે છે.
અંદમાન-નિકોબારની જેમ લક્ષદ્વીપમાં કમાન્ડ સ્થાપિત થવાથી ભારતના પશ્ચિમ અને પૂર્વ બંને સમુદ્રી મોરચા સુરક્ષિત થશે, જે ચીનની સમુદ્રી પ્રવૃત્તિઓ સામે એક સંતુલિત પ્રતિસાદ પૂરો પાડશે.
ચીનની હાજરી સામે ભારતની તૈયારી
ચીન છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દ મહાસાગરમાં પોતાની હાજરી વધારી રહ્યું છે. ચીન “સ્ટ્રિંગ ઓફ પર્લ્સ” નીતિ ભારતને ઘેરાવવાનો પ્રયાસ કરે છે. ચીની સંશોધન જહાજો અને નૌસેનાની ચળવળો હવે નિયમિત બની ગઈ છે. ભારતે આને ગંભીરતાથી લઈને પોતાના નૌસેનાના વિસ્તાર અને દ્વીપસ્થળો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું શરૂ કર્યું છે.
હવે લક્ષદ્વીપમાં અંદમાન-નિકોબાર જેવુ સમાન માળખું ઉભું થવાથી ભારતની પશ્ચિમ સમુદ્રી રેખા વધુ મજબૂત બનશે. લક્ષદ્વીપ એ ચીનની વધતી હાજરી સામે ભારતનો જવાબ યુદ્ધ નથી, પરંતુ તૈયારી છે - ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નૌસેના ક્ષમતા અને ભાગીદારી દ્વારા. લક્ષદ્વીપમાં નવા ડિફેન્સ કમાન્ડનું નિર્માણ એ જ તૈયારીનું પ્રતિક છે.