મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 20થી વધુ બાળકોના મોતનું કારણ બનેલા ઝેરી કફ સિરપ કોલ્ડ્રિફના કેસમાં મધ્યપ્રદેશ પોલીસે કડક કાર્યવાહી કરી છે. તમિલનાડુના કાંચીપુરમ સ્થિત શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના માલિક એસ. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે. આ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ (DEG) નામનો ઝેરી પદાર્થ હોવાનું સામે આવ્યું છે, જે કિડનીને નુકસાન પહોંચાડે છે. છિંદવાડા પોલીસે ચેન્નાઈ અને કાંચીપુરમમાં ઓપરેશન હાથ ધરીને રંગનાથનને બુધવારે રાત્રે કસ્ટડીમાં લીધા હતા. તેને ચેન્નાઈની કોર્ટમાં રજૂ કરવામાં આવશે, અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ છિંદવાડા લાવવામાં આવશે.
વિવાદનો પ્રારંભ
2 ઓક્ટોબરે તમિલનાડુના ડ્રગ કંટ્રોલ અધિકારીઓએ જાહેર કર્યું કે કોલ્ડ્રિફ સિરપના નમૂનામાં 48.6% DEG આવ્યું, જે ખૂબ જ હાનિકારક છે. CDSCOના નિરીક્ષણમાં શ્રીસન ફાર્માની ફેક્ટરીમાં બિલ વગરના DEG કન્ટેનર મળ્યા, અને કંપની પર 46-48% DEG ઉમેરવાનો આરોપ છે, જ્યારે માન્ય મર્યાદા માત્ર 0.1% છે.
રાજ્યોની કાર્યવાહી
તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ અને અરુણાચલ પ્રદેશે કોલ્ડ્રિફના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રે ચેતવણી જારી કરી છે. DGHS ડૉ. સુનિતા શર્માએ બાળકોમાં કફ સિરપના સમજદારીપૂર્વક ઉપયોગની અપીલ કરી છે.તમિલનાડુ સરકાર પર આરોપ
મધ્યપ્રદેશના મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે તમિલનાડુ સરકાર પર "ગંભીર બેદરકારી"નો આરોપ લગાવ્યો, કહેતા કે રાજ્યએ બહાર મોકલાતી દવાઓનું નિરીક્ષણ કરવામાં નિષ્ફળતા દાખવી. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે મધ્યપ્રદેશમાં આ સિરપના સ્ટોકનું પરીક્ષણ થયું ન હતું.આ ઘટનાએ દેશભરમાં દવાઓની ગુણવત્તા અને નિયમન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.