અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે, ભારત અને બ્રિટન વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનતી દેખાઈ રહી છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર હાલમાં ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા છે. તેઓ બુધવારે (8 ઓક્ટોબર) સવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યારે અમેરિકાએ ટેરિફ વધાર્યા છે, ત્યારે બ્રિટને ભારતને વેપાર ક્ષેત્રે રાહત આપવાનો સંકેત આપ્યો છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વેપાર કરારો અને નીતિગત ચર્ચાઓ થવાની શક્યતા છે.
અમેરિકા સાથે તણાવ, બ્રિટન તરફથી રાહત
હાલમાં અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેના કારણે દ્વિપક્ષીય વેપાર પર અસર થઈ છે. જોકે, ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) પર હસ્તાક્ષર થયા છે, જેના કારણે ભારતીય ઉદ્યોગો અને નિકાસકારોને મહત્વપૂર્ણ ફાયદો થશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે ઓગસ્ટમાં લંડનની મુલાકાત લીધી હતી, અને હવે કીર સ્ટાર્મર ભારત પહોંચ્યા છે. બંને દેશો વચ્ચેનો આ દ્વિપક્ષીય સંવાદ સંબંધોને વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા છે.
ભારત-યુકે એજન્ડામાં શું છે?
મુક્ત વેપાર કરારના માધ્યમથી ભારત અને યુકે 2030 સુધી દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. બંને દેશો કાપડ, લેધર, કૃષિ ઉત્પાદનો અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહકાર વધારશે. આશરે 120 બિલિયન ડોલર સુધીના વેપારના લક્ષ્યાંક સાથે આ ભાગીદારી આગળ વધશે.
સ્ટાર્મરના એજન્ડામાં ફિનટેક (ડિજિટલ પેમેન્ટ્સ), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સાયબર સુરક્ષા જેવા ઉન્નત ક્ષેત્રોનો પણ સમાવેશ છે. બંને દેશો આ ક્ષેત્રોમાં સંશોધન, રોકાણ અને ટેકનોલોજીક સહયોગ માટે સંકલ્પબદ્ધ છે.
સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે મુલાકાત
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર મુંબઈ પહોંચ્યા બાદ સીધા રાજભવન માટે રવાના થયા હતા. તેઓ ગુરુવારે (9 ઓક્ટોબર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાનારા સીઈઓ ફોરમ અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ મુલાકાતથી ભારત-યુકે સંબંધોમાં નવો માઇલસ્ટોન સ્થાપિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.