logo-img
Jaipur Ajmer Highway Lpg Truck Blast

જયપુર-અજમેર હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં વિસ્ફોટ : હાઇવે બંધ, નાયબ મુખ્યમંત્રી સ્થળ પર પહોંચ્યા

જયપુર-અજમેર હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં વિસ્ફોટ
Published by: Offbeat Team
| Last Updated: Oct 08, 2025, 03:40 AM IST

મંગળવારે મોડી રાત્રે રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર ભયાનક અકસ્માત થયો હતો. મૌજમાબાદ વિસ્તારમાં સાવરદા કલ્વર્ટ નજીક એક વાહન ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકને પાછળથી ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી હતી.

વિસ્ફોટ એટલો ભારે હતો કે આગ ઝડપથી આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક ઠપ્પ રહ્યો અને અનેક ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ટ્રકમાં LPG સિલિન્ડર ભરેલા હતા.


નાયબ મુખ્યમંત્રી સ્થળ પર પહોંચ્યા

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડૉ. પ્રેમચંદ બૈરવા રાતોરાત ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું કે, “અકસ્માતમાં સંડોવાયેલા વાહનના ડ્રાઇવરની ઓળખ હજુ સુધી થઈ નથી. ટ્રકના ડ્રાઇવર અને કંડક્ટરને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.”

હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ સલામતીના ભાગરૂપે રસ્તાની બંને બાજુ ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગ અને વહીવટીતંત્ર સતર્કતાથી કાર્ય કરી રહ્યા છે. જયપુર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ રાહુલ પ્રકાશે જણાવ્યું કે અકસ્માત રસ્તાની બાજુએ આવેલા ખાણીપીણીના સ્થળે થયો હતો, જ્યાં સામાન્ય રીતે અનેક ટ્રક ડ્રાઇવરો રોકાતા હોય છે.

કેમિકલ ટેન્કરથી અથડામણ બાદ વિસ્ફોટ

ઇન્સ્પેક્ટર જનરલ રાહુલ પ્રકાશે વધુમાં જણાવ્યું કે, “LPG સિલિન્ડર ભરેલો ટ્રક રસ્તાની બાજુમાં ઉભો હતો, ત્યારે પાછળથી આવેલ એક કેમિકલ ટેન્કર સીધું જ અથડાયું. અથડામણ બાદ જોરદાર વિસ્ફોટ થયો અને આગ ઝડપથી ફેલાઈ ગઈ.”

તેમણે જણાવ્યું કે હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને બચાવ તથા રાહત કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે.


મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટનાને લઈને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “જયપુર ગ્રામીણના મૌજમાબાદ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં લાગેલી આગ અત્યંત દુઃખદ છે. અગ્નિશામક તથા આપત્તિ વ્યવસ્થાપન ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને યોગ્ય સારવાર અને સહાય સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.”

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now