Train Accident in Pakistan: પાકિસ્તાનમાં એક ટ્રેન અકસ્માત થયો છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને મૃત્યુ પામવાની શક્યતા છે. અહેવાલ છે કે જાફર એક્સપ્રેસમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. સિંધ-બલુચિસ્તાન સરહદ પર સુલતાનકોટ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. જાફર એક્સપ્રેસ ક્વેટા જઈ રહી હતી ત્યારે પાટા પર લગાવેલા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થતાં અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
પોલીસ હુમલાખોરની શોધ હાથધરી
અહેવાલો અનુસાર મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ બચાવ ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હુમલો કોણે કર્યો અને પાટા પર વિસ્ફોટકો કોણે મૂક્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બલૂચ લિબરેશન આર્મી પર શંકા છે, પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી, અને હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
ટ્રેન અને વાહન વ્યવહાર બંધ
અહેવાલો અનુસાર રૂટ પર ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. રોડ ટ્રાફિક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાટા પર ફેલાયેલા કાટમાળને સાફ કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તાજેતરના મહિનાઓમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને વારંવાર નિશાન બનાવવામાં આવી છે. ઓગસ્ટ 2025 માં બલુચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં સમાન IED વિસ્ફોટ થયો હતો, જેમાં છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
માર્ચ 2025 માં આ ટ્રેનનું અપહરણ કરવામાં આવ્યું હતું
માર્ચ 2025 માં બલુચ લિબરેશન આર્મી (BLA)ના આતંકવાદીઓએ બોલાન પાસમાં આ જ ટ્રેનનું અપહરણ કર્યું હતું, જેમાં 400 થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા હતા. જાફર એક્સપ્રેસ એક દૈનિક પેસેન્જર ટ્રેન છે જે બલુચિસ્તાનના ક્વેટાને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના પેશાવર સાથે જોડે છે. આ ટ્રેન 16 એપ્રિલ 2003 ના રોજ કાર્યરત થઈ હતી. શરૂઆતમાં તે ક્વેટા અને રાવલપિંડી વચ્ચે દોડતી હતી અને 2017 માં પેશાવર સુધી લંબાવવામાં આવી હતી.