સુપ્રીમ કોર્ટે આજે લદ્દાખના ક્લાયમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર જેલ અધિક્ષકને નોટિસ ફટકારી. કોર્ટે કેન્દ્ર અને લદ્દાખને સોનમ વાંગચુકને કેમ મુક્ત ન કરવા તે સમજાવવા કહ્યું. સોનમ વાંગચુકની પત્નીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, સોનમ વાંગચુકને કયા કારણોસર ધરપકડ કરવામાં આવી છે તેની જાણ પણ કરવામાં આવી નથી.
વાંગચુક પર NSA હેઠળ કેસ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ આપ્યો કે અટકાયત કરાયેલ વ્યક્તિને જાણ કરવામાં આવી છે. અમે વિચારણા કરીશું કે તેની પત્નીને તેની ધરપકડના કારણોની નકલ કેવી રીતે પૂરી પાડી શકાય. સોનમ વાંગચુક પર NSA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગીતાંજલિએ માંગ કરી હતી કે તેના પતિને ફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવે અને તેને મળવાની મંજૂરી આપવામાં આવે. તેમણે એવી પણ માંગણી કરી હતી કે જેલમાં દવા, યોગ્ય ખોરાક અને કપડાંની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી
ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન વી અંજારિયાની બેન્ચે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી. સોનમ વાંગચુકની 26 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. તેમના પર હિંસા ભડકાવનારા નિવેદનો આપવાનો આરોપ છે. તેમની પત્ની ગીતાંજલિએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેમના પતિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યા છે.
'ગાંધીવાદી રીતે વિરોધ કરી રહ્યા હતા, તો ધરપકડ શા માટે?'
તેમણે જણાવ્યું હતું કે સોનમ વાંગચુકની ધરપકડ રાષ્ટ્રીય સુરક્ષા કે કાયદો અને વ્યવસ્થાનો મામલો નથી, પરંતુ એક કાર્યકર્તાને ચૂપ કરવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ ફક્ત ગાંધીવાદી રીતે વિરોધ કરી રહ્યા હતા. આ બંધારણીય અધિકાર છે. તેમને બોલવાનો અધિકાર છે. ફક્ત આના આધારે ધરપકડ કરવી યોગ્ય નથી. ગીતાંજલિએ કહ્યું હતું કે આ બંધારણની કલમ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.