હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણીને ધ્યાનમાં રાખીને, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે 5 થી 7 ઑક્ટોબર સુધી માટે માતા વૈષ્ણોદેવીની યાત્રા તાત્કાલિક અસરથી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે રવિવારે ભવન, યાત્રામાર્ગ, અડકુંવરી મંદિર સંકુલ સંપૂર્ણપણે ખાલી રહ્યા હતા.
શ્રાઈન બોર્ડના નિર્ણય પછી પણ દેશભરના વિવિધ રાજ્યોમાંથી કટરા પહોંચેલા 3,000થી 4,000 યાત્રાળુઓ હજુ પણ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. શનિવારે રાત્રે નોંધણી કેન્દ્ર અચાનક 8 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યું, જ્યારે સામાન્ય રીતે તે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ અચાનક લીધેલા નિર્ણયથી રાત્રે કટરા પહોંચેલા યાત્રાળુઓને ભારે અસુવિધા થઈ.
યાત્રાળુઓએ અનેકવાર દર્શની દેવરીના પ્રવેશદ્વાર પર જઈને મંદિરમાં પ્રવેશની વિનંતી કરી હતી, પરંતુ શ્રાઈન બોર્ડે સલામતી કારણોસર પ્રવેશની મંજૂરી નકારી કાઢી. અંતે, યાત્રાળુઓને કટરા પરત ફરવું પડ્યું.
આ દરમ્યાન, હવામાનમાં સતત ફેરફાર જોવા મળ્યો. શનિવારે મોડી સાંજે આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને રવિવારે સવારે સુધી હળવો વરસાદ ચાલુ રહ્યો. જોકે, બાદમાં હવામાન ધીમે ધીમે સ્વચ્છ બન્યું અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ સાથે ઠંડી પવન ફૂંકાતી રહી.
હવામાન સુધરતા ભક્તોએ ફરી એકવાર યાત્રા શરૂ કરવાની મંજૂરી આપવા માટે શ્રાઈન બોર્ડને અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, યાત્રાનો નિર્ણય હવામાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થયા બાદ જ લેવામાં આવશે.