ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝામાં યુદ્ધવિરામ માટે શાંતિ પ્રસ્તાવ છતાં, ઇઝરાયલ સતત વિનાશ મચાવી રહ્યું છે. શનિવારે ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 70 પેલેસ્ટિનિયનો માર્યા ગયા, જેમાં સાત બાળકોનો સમાવેશ થાય છે. આ બાળકો બે મહિનાથી આઠ વર્ષ સુધીના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, હમાસે કેટલીક શરતો સ્વીકારી છે, અને તેથી બોમ્બમારો તાત્કાલિક બંધ થવો જોઈએ. અલ-જઝીરાના અહેવાલ મુજબ સત્તાવાર રીતે 45 લોકોના મોત થયાના અહેવાલ છે. તાજેતરના અઠવાડિયામાં ઇઝરાયલના આક્રમણથી ગાઝાની આશરે 10 લાખ વસ્તીને ગંભીર અસર થઈ છે. મોટી સંખ્યામાં લોકો ગાઝા શહેર છોડીને ભાગી ગયા છે. તુફાહ નજીક રહેણાંક મકાન પર થયેલા હુમલામાં 18 લોકો માર્યા ગયા.
નેતન્યાહૂ ગાઝામાંથી સૈનિકો પાછા બોલાવવા તૈયાર!
ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં અલ-માવાસી ખાતે એક કેમ્પ પર પણ હુમલો કર્યો. દક્ષિણ ગાઝામાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા બે બાળકો માર્યા ગયા અને આઠ અન્ય ઘાયલ થયા. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઇઝરાયલે બોમ્બમારો અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે. તેમણે ચેતવણી આપી હતી કે હમાસે બંધકોને મુક્ત કરવામાં વિલંબ ન કરવો જોઈએ, નહીં તો બોમ્બમારો ફરી શરૂ થશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઇઝરાયલે ગાઝામાંથી પોતાના સૈનિકો પાછા બોલાવવાની જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું દાવો કર્યો?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હમાસ કરાર સ્વીકારે કે તરત જ યુદ્ધવિરામ શરૂ થશે, ત્યારબાદ કેદીઓ અને બંધકોની આપ-લે થશે. હમાસનું કહેવું છે કે ઇઝરાયલે બંધકોના બદલામાં 2,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે હમાસે તેના શસ્ત્રો સોંપવા પડશે. ગાઝા આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે બે વર્ષ લાંબા યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 67,000 થી વધુ થઈ ગઈ છે. મંત્રાલયે મૃત્યુઆંકમાં 700થી વધુ નામ ઉમેર્યા છે, અને આ આંકડાઓની ચકાસણી કરવામાં આવી છે. આમ, મૃત્યુઆંક વધ્યો છે. ઇઝરાયલી સૈન્યએ કહ્યું છે કે, તે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા અને બાકીના તમામ બંધકોને પરત કરવાની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના પ્રથમ તબક્કાની તૈયારી કરી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સૈન્ય હવે રક્ષણાત્મક સ્થિતિમાં છે અને આક્રમણ શરૂ કરશે નહીં.