ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખની નિમણૂક થયા બાદ રાજકોટના ચૂવાળીયા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજે પોતાના હક અને પ્રતિનિધિત્વને લઈને અસંતોષ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે રાજકોટ શહેરમાં સમાજના આગેવાનો દ્વારા મહત્વની બેઠક યોજાશે, જેમાં રાજકોટની ચાર વિધાનસભા બેઠકના તેમજ મોરબી અને વાંકાનેર જેવા વિસ્તારમાંથી કુલ 6 વિધાનસભા વિસ્તારોના પ્રતિનિધિઓ હાજર રહેશે.
''...આજ સુધી અમને કોઇ સારો હોદ્દો મળ્યો નથી''
ચૂવાળીયા કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજીયાએ જણાવ્યું કે, "અમે છેલ્લાં 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છીએ, છતાં આજ સુધી અમને કોઇ સારો હોદ્દો મળ્યો નથી. ભાજપે ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ બનાવ્યો છે, પણ ઓબીસી વચ્ચે પણ સૌથી વધુ વસ્તી તો કોળી સમાજની છે."
''અમારી વસ્તી વધુ પણ...''
તેમણે વધુમાં જણાવ્યું કે, "આજે અમારી વસ્તી રાજ્યભરમાં સૌથી વધુ છે, છતાં અમારા સમુદાયને વિધાનસભા ટિકિટ પણ પૂરતી આપવામાં આવતી નથી. આજના સમયમાં પણ માંડ એક કે બે મંત્રી છે જ્યારે વસ્તી નોંધપાત્ર છે."
''ભરતસિંહ સોલંકી સાથે બેઠક પણ થઈ...''
રણછોડ ઉધરેજીયાએ એવો ખુલાસો પણ કર્યો કે, "અમારું તાજેતરમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે બેઠક પણ થઈ છે. આ બેઠક માત્ર શરૂઆત છે, આજની બેઠક બાદ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પણ આવા સંમેલનો યોજાશે."