અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એવો દાવો કર્યો છે જેણે રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેમણે 9/11 આતંકવાદી હુમલાના એક વર્ષ પહેલા જ યુએસ સરકારને ઓસામા બિન લાદેન વિશે ચેતવણી આપી હતી, પરંતુ તે સમયની સરકારે આ ચેતવણીને અવગણી દીધી હતી.
ટ્રમ્પે વર્જિનિયાના નોર્ફોકમાં યુએસ નેવીની 250મી વર્ષગાંઠના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતા આ દાવો કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે જણાવ્યું કે,
“હું તે વ્યક્તિ હતો જેણે 9/11 પહેલાં એક વર્ષ અગાઉ ઓસામા બિન લાદેન વિશે લખ્યું હતું. મેં સરકારે કહ્યું હતું કે આ વ્યક્તિ પર નજર રાખવી જોઈએ, પરંતુ તેમણે તેને અવગણ્યું.”
ટ્રમ્પે ઉમેર્યું કે, જો કોઈ વ્યક્તિ તેમના કાર્યોનો શ્રેય આપતું ન હોય, તો “તમારે પોતે જ તમારું શ્રેય લેવું જોઈએ”. તેમણે કહ્યું, “હું ક્રેડિટ લઈ રહ્યો છું, કારણ કે બીજું કોઈ મને આપશે નહીં.”
તેમણે દાવો કર્યો કે તેમણે તત્કાલીન અમેરિકન સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે,
“મેં ઓસામા બિન લાદેન નામના એક માણસ વિશે સાંભળ્યું છે અને જોયો છે. મને તે ગમતો નથી. તમારે તેનાથી ધ્યાન રાખવું જોઈએ.”
ટ્રમ્પે જણાવ્યું કે જો તેમની ચેતવણી ખોટી હોત, તો તે “કાલે જ સમાચાર બની જાય”, અને એટલા માટે તે સત્ય કહી રહ્યા છે.
ટ્રમ્પના પુસ્તકનો ઉલ્લેખ
ટ્રમ્પે પોતાના પુસ્તક ‘ધ અમેરિકા વી ડિઝર્વ’ (The America We Deserve)નો ઉલ્લેખ પણ કર્યો, જે વર્ષ 2000માં પ્રકાશિત થયું હતું, એટલે કે 9/11 હુમલાના એક વર્ષ પહેલા. તેમણે કહ્યું કે આ પુસ્તકમાં તેમણે લાદેન અંગે ચેતવણી આપતી વાતો લખી હતી.
સરકારી પુષ્ટિ હજુ બાકી
જોકે, આ દાવા અંગે અમેરિકન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે ટ્રમ્પે ખરેખર લાદેન સંબંધિત કોઈ ચેતવણી આપી હતી કે નહીં. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પનો આ નિવેદન ફરી એકવાર તેમની આત્મપ્રશંસા અને રાજકીય પ્રચારની રણનીતિનો ભાગ હોઈ શકે છે.