ચીનના અનહુઇ પ્રાંતના સૌથી મોટા ટોલ સ્ટેશન, વુઝુઆંગ ટોલ સ્ટેશન, પર સોમવાર, 6 ઓક્ટોબર, 2025ના રોજ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો.
આઠ દિવસના રાષ્ટ્રીય દિવસ અને મધ્ય-પાનખર ઉત્સવની રજાઓ પૂરી થયા બાદ લાખો મુસાફરો ઘરે પરત ફરતા હોવાથી આખો માર્ગ જામ થઈ ગયો હતો.
લાખો વાહનો ટોલ ગેટ તરફ ઉમટ્યા
વુઝુઆંગ ટોલ સ્ટેશનમાં 36 લેન છે, છતાં ટ્રાફિકનો દબાણ એટલો વધુ હતો કે લાંબી કતારોમાં વાહનોના લાલ ટેલલાઇટ્સ ઝબકતા દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.
સ્થાનિક ટ્રાફિક અધિકારીઓ અનુસાર, માત્ર એક જ દિવસે ટોલ સ્ટેશન પરથી 1,20,000થી વધુ વાહનોના પસાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ટ્રાફિક જામનું મુખ્ય કારણ
ડ્રોન ફૂટેજમાં ટોલ ગેટ તરફ ધીમે ધીમે આગળ વધતા વાહનોની કતારો જોવા મળી હતી.
આ વર્ષે મધ્ય-પાનખર ઉત્સવ અને રાષ્ટ્રીય દિવસની રજા એકસાથે પડતાં, રજાનો સમયગાળો સામાન્ય કરતાં વધુ — 1 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો હતો.
પરિણામે, લાખો લોકો એકસાથે મુસાફરી પર નીકળતાં ટ્રાફિકમાં અદભુત વધારો જોવા મળ્યો.
પ્રવાસીઓનો રેકોર્ડ વધારો
ચીનના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયે માહિતી આપી હતી કે, ગયા વર્ષે સાત દિવસની રજા દરમિયાન જ્યાં 765 મિલિયન ટ્રિપ્સ નોંધાઈ હતી,
ત્યાં આ વર્ષે આ આંકડો વધીને 888 મિલિયન ટ્રિપ્સ સુધી પહોંચી ગયો.
અધિકારીઓએ જણાવ્યું કે વુઝુઆંગ ટોલ સ્ટેશન પરની સ્થિતિએ લોકોને ચીની નવા વર્ષની મુસાફરીની ભીડની યાદ અપાવી.
ચીનમાં અગાઉ પણ આવા ટ્રાફિક જામ થયા છે
આ પ્રથમ વખત નથી કે ચીનમાં આવા ગંભીર ટ્રાફિક જામ જોવા મળ્યા છે.
2010માં બેઇજિંગ-તિબેટ એક્સપ્રેસવે પર 100 કિમીથી વધુ લાંબો ટ્રાફિક જામ 14 ઓગસ્ટના રોજ સર્જાયો હતો,
જેમાં હજારો વાહનો 12 દિવસ સુધી હાઇવે પર અટવાઈ ગયા હતા.
તે સમયે અનેક ટ્રકો બગડી જવાને કારણે જનજીવન સંપૂર્ણ ઠપ થઈ ગયું હતું.